મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અલ્પેશ ઠાકોર દ્વારા સુરેશ સિંઘલ નામના વ્યક્તિે ધમકી આપ્યાના મામલા પર જ્યારે સિંઘલે વકીલ પર આક્ષેપ લગાવી ફિનાઈલ ગટગટાવ્યું ત્યારે મામલો વધુ ગંભીર બની ગયો હતો. જેને પગલે અલપેશ ઠાકોર સામે હાઈકોર્ટમાં અરજી કરનાર સુરેશ સિંઘલ સામે ઓબીસી, એસસી-એસટી એક્તા મંચ દ્વારા ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

એક્તા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ દ્વારા સુરેશ સિંઘલ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ અલ્પેશ ઠાકોરના માન મોભાને નુકસાન પહોંચાડવા માટે સુરેશ સિંઘલ દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર હાલ ભાજપ પક્ષ તરફથી રાધનપુર બેઠક પર થનારી પેટા ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે ત્યારે ચૂંટણીનો માહોલ જોઈ અલ્પેશ ઠાકોરની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા આ પ્રકારના નિવેદનો અપાઈ રહ્યા છે. મેં આ મામલે ગૃહમંત્રી, ડીજીપી અને અમદાવાદ પો. કમિશનરને સુરેશ સિંઘલ અને તેના મળતિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ફરિયાદ કરી છે.

બાબત એવી હતી કે, ગત મંગળવારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુદ્ધ એક અરજી કરનારા સુરેશ સિંગલે તેના જ વકીલ સામે ફૂટી ગયાના આક્ષેપો કર્યા હતા. સુરેશે એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો જેન કારણે મામલો વધુ ગરમાયો હતો. તેણે વકીલ ધર્મેશ ગુર્જર પર કરેલા આક્ષેપો સામે વકીલે પણ સિંઘલ કોંગ્રેસના ઈશારે કરતા હોવાનો પ્રતિઉત્તર આપ્યો હતો. ત્યાં બંને પક્ષોના ઉત્તર પ્રતિઉત્તરોમાં વકીલે પણ સિંઘલ સામે ફરિયાદ કરવાની તૈયારીઓ બતાવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની 7 વિધાનસભાની ખાલી બેઠકો પૈકી 6 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે બંને મુખ્ય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો પણ મેદાને ઉતારી દેવાયા છે. ચૂંટણી ટાંણે વિવિધ વિવાદો પણ સામે આવી રહ્યા છે.