મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સામાન્ય દિવસોમાં તો વાલીઓની મોટાભાગની આવક ચાટી જતાં સ્કૂલ માફીયાઓ હાલની સ્થિતિમાં પણ પોતાની જાડી ચામડીનું સ્વરૂપ દેખાડી રહ્યા છે. શાળાના જ જો ગુજરાતમાં આ હાલ હોય તો આગામી સમયમાં ત્યાંથી ભણીને આગળ આવનારા આપણા બાળકો પણ માનવતા શું છે તે કદાજ ભૂલી જાય અને હેવાન જેવું વિચારવા લાગે તો નવાઈ ન પામતા.

અગાઉ પણ ફી ઘટાડા મામલે સરકારને ચૂરણ આપનારી ગુજરાતની કહેવાતી મોટી શાળાઓની હાલની ફી પણ વાલીઓને તોડી નાખે એવી છે. જ્યાં શિક્ષણનો જ ધંધો ખુલ્યો હોય ત્યાં કોઈ પ્રગતિને કઈ રીતે સ્થાન પામશે તે ભવિષ્ય વિચારવામાં પણ ભય લાગે છે. હાલમાં કોરોનાની મહામારીને પગલે ગુજરાતમાં લોકડાઉન હતું જેમાં લોકોના ધંધા-રોજગાર બંધ હતા. શાળાઓ પણ બંધ હતી. શાળાના રોજના ખર્ચ ઘટ્યા છે, જોકે તેનો લાભ માત્ર સંચાલકોને જ લેવો છે વિદ્યાર્થીઓને આ શાળાઓનો લાભ મળવો જોઈએ. શાળાઓએ એક સત્રની ફી માફ કરવી જોઈએ તેવી લાગણી વાલીઓએ હાલમાં ઉઠાવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાં ત્રણ મહિનાની ફી ઘટાડવા માટે માગ ઉઠી છે. 

ગુજરાત વાલી એક્તા મંડળ દ્વારા અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં દેખાવો કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનને પગલે મંડળના પ્રમુખ જયેશ પટેલ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. જોકે આ મામલામાં એક બીજી વાત એ સામે આવી છે કે મહેસાણાની અર્બન સ્કૂલ દ્વારા 25 ટકા ફી માફ કરવાનું નક્કી કરાયું છે.