મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ આઈસીઆઈસીઆઈ બેન્કની પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેના પરિવાર પર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ચંદા કોચરના મુંબઈ સ્થિત ફ્લેટ અને તેના પતિ દીપક ચોકચની કંપનીની કેટલીક સંપત્તિઓ એટેચ કરી છે. જપ્ત સંપત્તિઓનું કુલ મુલ્ય 78 કરોડ રૂપિયા કહેવાઈ રહ્યું છે. ચંદા કોચર સામે આ કાર્યવાહી 2012માં બેન્કના વિડિયોકોનને મળેલા 3250 કરોડ રૂપિયાના લોન મામલામાં કરાઈ છે.

બેન્કની દેવાદાર કંપની વિડિયોકોન ઈંડસ્ટ્રીઝ દ્વારા કોચરના પતિની કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટને લઈને ગરબડીના આરોપો બાદ ચંદા કોચરએ ઓક્ટોબર 2018માં રાજીનામું આપ્યું હતું. હાલમાં જ તેણે પોતાના સામે બેન્ક દ્વારા ઈશ્યૂ કરાયેલા બરતરફ લેટરને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમણે કોર્ટ પાસે તે લેટરને અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે. જેમાં તેણે ઓક્ટોબર 2018માં જલ્દી જ નિવૃત્તિની જાહેરાત કરી હતી અને બેન્કે સ્વીકાર કરી લીધો હતો.