ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ચાઈના સેન્ટ્રલ બેંક નવા ઇલેક્ટ્રોનિક નાણાં તરતા મૂકવા જઈ રહયા છે તે કદાચ વર્તમાન ક્રિપટોકારન્સીનું નવું સ્વરૂપ હશે. શક્ય છે કે ભારત અને ચીન સરકારોને દેશના અર્થતંત્ર અને કાળાનાણાને નિયંત્રિત કરવા માટે અસંખ્ય નવા હથિયાર પૂરા પાડશે. તેની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં બિટકોઇન જેવા અન્ય કોઈનમાં ગુપ્તતા જાળવવાના આકર્ષક ફિચરો છે તે ખતમ થઈ જાય.

સેંકડો વર્ષ પહેલા ચલણી સિક્કા નાણું શોધાયા ત્યાર પછી રોકડ તરીકે હાથમાં રાખવા કાગળિયું નાણું શોધાયું. નાણાં તરીકે ડિજિટલ કરન્સી શોધાઈ રહી છે, ત્યારે સુપર પાવર અમેરિકાના પાયા હચમચવા લાગ્યા છે. ચીન સરકારે તો રોકડ તરીકે ડિજિટલ નાણાં તરતા મૂકી પણ દીધા છે. બિટકોઇન જેવી ક્રિપટોકરન્સીએ જગતને ડિજિટલ નાણાંના ભાવિનો શક્ય અંદાજ દાખવી દીધો હતો. આમ છતાં આવા નાણાં હજુ પણ વૈશ્વિક ફાયનાન્સિયલ સિસ્ટમનો સત્તાવાર હિસ્સો નથી બની શક્યા, સાથે જ સરકાર દ્વારા ઇસ્યુ કરતાં લીગલ ટેન્ડર (કાયદેસરના નાણાં)નો હિસ્સો પણ નથી બની શક્યા. 
ચીનનો ડિજિટલ યુઆન વૈશ્વિક કારન્સીનો મોભી બનવા તૈયાર છે. ચીનના ફાયનાન્સિયલ નિષ્ણાતો કહે છે કે ડિજિટલ કરન્સી અર્થતંત્રમાં નવી તકો પેદા કરશે, પણ અમેરિકન ફયાટ કરન્સી ડોલરનું પ્રભુત્વ તાત્કાલિક ખતમ નહીં કરી શકે. શક્ય છે કે ચીનનો ડિજિટલ યુઆન વહેલો મોડો વૈશ્વિક રિઝર્વ કરન્સી બની જશે. ચીનએ આગાહી કરી છે કે અમે ૨૦૩૦ સુધીમાં વિશ્વની સૌથી મોટી ઈકોનોમી બની જઈશું અને અમેરિકાને ટક્કર મારી દઇશું.

Advertisement


 

 

 

 

 

ચાઈનીસ ફુંન્ડા યુનિવર્સિટીના ફાયનાસ પ્રોફેસર સન લીનજિયાન કહે છે કે કરન્સી બજારમાં જે પ્રકારે ઉથલપાથલ થઈ રહી છે તે જોતાં, આમ પણ ડોલરની પ્રતિષ્ઠા ઝંખવાઈ રહી છે. તેઓ કહે છે કે ચીનએ જ્યારથી બેલ્ટ એન્ડ રોડ ઈનીસીએટિવ યોજના હેઠળ ધરખમ આંતરરાષ્ટ્રીય માળખાગત સુવિધા સ્થાપિત કરવી શરૂ કરી છે, ત્યારથી ક્રોસ બોર્ડર વ્યવહારમાં ફ્રી-ટ્રેડ ઝોન વિસ્તારમાં યુઆનની લેણદેણમાં મોટો વધારો થયો છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે ચીનએ જ્યારથી ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવાનું આરંભયું ત્યારથી યુઆનનું આંતરરાષ્ટ્રીય મહત્વ વધવા લાગ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું કે અમે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં યોજના પ્રમાણે પહેલી ડિજિટલ કરન્સી ટ્રાયલ શરૂ કરી દઇશું. અમે ખૂબ જ સાવધાની પૂર્વક પગલાં લઈ રહ્યા છીએ કારણ કે વિશ્વ માટે આ સાવ નવી પ્રોડક્ટ છે. અમે પરંપરાગત બેંક કરતાં દેશની બેન્કિંગ સિસ્ટમને નવો આધાર પૂરો પાડવા જઈ રહયા છીએ, આથી અમારું ધ્યાન એકદમ કેન્દ્રિત રહેવું જોઈશે. તાજેતરમાં બિટકોઇન અને અન્ય ક્રિપટોકરન્સીમાં ભારે ઉથલપાથલ જોવાઈ ત્યારે આખા વિશ્વની સેન્ટ્રલ બેન્કોને સમજાયું કે આની સામે ટકી રહેવા સત્તાવાર સરકારી માન્યતાવાળી ડિજિટલ કારન્સીની રોજિંદા વ્યવહારમાં આવશ્યકતા ખૂબ વધી ગઈ છે. 

Advertisement


 

 

 

 

 

સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી એ મૂળભૂત રીતે ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી હશે, જે નાગરિકોને ફયાટ કરન્સીની માફક રોજિંદા વ્યવહારમાં વાપરવા આપી શકાશે. તેની ઉપયોગિતા વર્તમાન ફયાટ કરન્સી જેવી જ હશે. આ કરન્સીનું સંચાલન અને કાયદેસરતા પણ માન્યતા પ્રાપ્ત સત્તાવાર વર્તમાન નાણાકીય સંસ્થાઓ જ કરશે. અલબત્ત, તે વર્તમાન બિટકોઇન કે ઈથર જેવી ખાનગી ડિજિટલ કરન્સી કરતાં સાવ જુદી હશે, અને તેને એક હાથથી બીજા હાથમાં હસ્તાંતરીત કરી શકાય તેવી કાગળિયા નાણાં જેવુ વૈકલ્પિક સ્વરૂપ અને કામકાજ હશે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)