મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ની રિલિઝ પર કેન્દ્રિય ચૂંટણી પંચે બ્રેક લગાવી દીધી છે. આ ફિલ્મ 11 એપ્રિલ 2019ના રોજ રિલિઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા આ ફિલ્મને રજૂ કરવા પર સ્ટે મુક્યો છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે.

આજે બુધવારે ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું કે ચૂંટણી દરમિયાન એવી કોઈપણ ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપી ન શકાય જેનાથી કોઈ રાજકીય પક્ષ કે રાજકીય નેતાનાં ચૂંટણી હિતોના ઉદ્દેશ્ય પૂર્ણ થઇ શકતા હોય. દેશમાં યોજાનાર સાત તબક્કાની લોકસભા ચૂંટણીઓમાં 11 એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કામાં મતદાનના દિવસે જ આ ફિલ્મ રજૂ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે હવે તેની રિલિઝ અટકાવી દીધી છે.

વિરોધ પક્ષોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિકને ચૂંટણી દરમિયાન પ્રદર્શિત કરવાનો હેતુ ભાજપને ચૂંટણીનો ફાયદો પહોંચાડવાનો છે તેથી ચૂંટણી દરમિયાન આ ફિલ્મને પ્રદર્શિત થવાથી રોકવી જોઈએ.