મેરાન્યૂઝ નેટવર્ક.ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયામાં આજે આવેલા ભૂકંપ પછી સુલાવેસી દ્વીપ પર આવેલા પાળું શહેરમાં સુનામીનો પ્રકોપ થતા સેંકડો લોકોના મોત નીપજયા છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડીંગ ધરાશાયી થઇ ગયા બાદ સુનામીના કારણે ૩૮૪ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. જયારે ૫૬૦ લોકો ઘાયલ થવા હોવા સાથે હજુ સેંકડો લોકો ગાયબ છે.

પાલૂ શહેરથી ૭૮ કીલોમીટરના અંતરે આ ભૂકંપનું કેન્દ્ર હતું. આ પછી આવેલ સુનામીમાં પાણીના ઊંચા ઉછળતા મોજા-લહેરોએ કિનારાની નજીકના તમામ વિસ્તારોને લપેટમાં લઇ લીધા હતા. એક ઉંચી ઈમારત ઉપરથી ઉતારેલા અને વાયરલ થયેલા વીડિયોમાં પાણીના આ મોજા ઘણી ઈમારતોને અડફેટમાં લઇ રહેલા જોવામાં આવી રહ્યા છે. જેમાં આ જબરજસ્ત દરિયાઈ તોફાનમાં મોજા-લહેરોથી બચવા લોકો ચીસો પાડીને નાસભાગ કરી રહ્યા છે.

ઇન્ડોનેશિયામાં આજે આવેલા ભૂકંપની તીવ્રતા આ વર્ષની શરૂઆતમાં લોમબોક દ્વીપમાં આવેલા ભૂકંપ કરતા ઘણી જ વધારે હતી. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય સુલાવેસીના ડોગ્ગાલા કસ્બામાં આ ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારતોમાંથી લોકો બહાર નીકળીને સલામત જગ્યાએ જઈ રહ્યા છે. જયારે સુનામીની ચેતવણી પછી લોકો ઊંચી જગ્યાએ પહોંચવા માટે પોતાના વાહનો લઈને નીકળતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અહીંના ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુતોપો પૂર્વો નુગરોહોએ જણાવ્યું છે કે, સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ભૌગોલિક સ્થિતિના કારણે હંમેશા ભૂકપના રહેતા ભયમાં ડીસેમ્બર-૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે આવેલી સુનામીથી હિન્દ મહાસાગરમાં ૨.૨૦ લાખ લોકો માર્યા ગયા હતા.