મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાત એસીબીએ ભ્રષ્ટા લાંચિયા સરકારી અધિકારી, કર્મચારીઓની અપ્રમાણસર મિલ્કતને શોધવા માટે હવે ફેમિલી ટ્રી બનાવવાનું શરૂ કર્યુ છે. જેમાં ઝડપાયેલા અધિકારીઓની તમામ દૂરના તેમજ નજીકના સગાવહાલાઓની સંપતિ મામાલે તપાસ કરવામાં આવશે. થોડાક સમય પહેલા જમીન વિકાસ નિગમના મદદનીશ નિયમક પ્રવીણ પ્રેમલની ૧૦.પ૪ કરોડની અપ્રમાણસર મિલ્કતનો પર્દાફાશ એસીબીએ ફેમિલી ટ્રીના આધારે જ કરાયો છે. ત્યારે હવે જેતપુરમાં લાંચ કેસમાં ફસાયેલા ડીવાયએસપી જે.એમ. ભરવાડ તેમજ ૧૮ લાખની લાંચ લેવામાં ઝડપાયેલા જુનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. ચાવડાની અપ્રમાણસર મિલ્કત શોધવા માટે એસીબીએ ફેમિલી ટ્રી તૈયાર કરી દીધું છે. 

વિતેલાં વર્ષે ગુજરાત એસીબીએ કુલ રપપ ગુના લાંચિયા બાબુઓ વિરૂદ્ધમાં કરીને કુલ ૪૧૭ આરોપીઓની પકડી પાડ્યા છે. મોટાભાગના કેસમાં કાયદાકીય સંકજો લાંચિયાબાબુ પર કસાય તે માટે એસીબીનીની ટીમે બાડા (બેનામી) એસ્ટેટ એન્ડ ડીસપ્રોપર્ટીનેટ એસ્ટેટ) નામનુ઼ ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. જેમાં કરપ્શન કરતા અધિકારીઓની એક એક વિગતોની તપાસ કરાશે. બાડા દ્વારા કોઇ પણ કેસના ઇન્વેસ્ટીગેશન માટે આઠ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે. બાડા જે તે લાંચિયા અધિકારીઓની પહેલા ગુપ્તા માહિતીના આધારે ફેમિલી ટ્રી તૈયાર કરે છે. જેમાં અધિકારીઓની પત્ની, બાળકો, માતા-પિતા, ભાઇ-બહેન, અધિકારીના સાળા, સાળી, મામા, મામી તેમજ સાળાના પરિવારજનો જેવા અનેક દૂરના તેમજ નજીકના સંબંધીઓનું એક લિસ્ટ બનાવે છે અને ત્યારબાદ તપાસ શરૂ કરી છે. 

અધિકારીના દૂરના સંબંધીથી તપાસની શરૂઆત કરે છે અને ત્યારબાદ ધીમે ધીમે તપાસ બેનામી સંપતિના પુરાવા ભેગા કરીને અધિકારી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે. ઉલ્લેખનીય છે કે ફેમિલી ટ્રી બનાવીને તપાસની સૌ પહેલા શરૂઆત જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક પ્રવીણ પ્રેમલ ના કેસથી થઇ. જેમાં એસીબીએ તેમની પત્ની અને પુત્ર વિરૂદ્ધમાં પણ ફરીયાદ નોંધી છે.