દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા, અમેરિકા): ધર્મ પ્રચારયાત્રા અંતર્ગત વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ ટેક્સાસના ઓસ્ટીન સિટી પહોંચ્યા હતા. ઓસ્ટીનમાં વસવાટ કરતા વૈષ્ણ‌વ પરિવારો સાથે સત્સંગ દરમિયાન દ્વારકેશલાલજી મહારાજે હિન્દુ સનાતન વૈદિક ધર્મ અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મહાત્મ્ય સાથે પ્રભુ ભક્તિ અને પ્રભુ પ્રાપ્તિના માર્ગની સમજ આપી હતી. ઓસ્ટીનના વૈષ્ણવોએ ધર્મ-સંસ્કૃતિ-સંસ્કાર હેતુ ઓસ્ટીનમાં પુષ્ટિ સંપ્રદાયનું સેન્ટર શરૂ કરવાનો વિચાર-સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પુષ્ટિમાર્ગના પ્રચાર-પ્રસાર માટે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ હાલ અમેરિકાના પ્રવાસે છે. જે અંતર્ગત વૈષ્ણવાચાર્યએ ટેક્સાસના ઓસ્ટીન સિટીની મુલાકાત લીધી હતી. ઓસ્ટીન અને તેની આસપાસના અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં વૈષ્ણ‌વ સમુદાય વસવાટ કરતો હોઇ વૈષ્ણવ અગ્રણીઓ પ્રફુલભાઇ, મંજુબહેન, પ્રજ્ઞાબહેન, રશ્મિકાંતભાઇ, તપન અને શ્વેતા શાહે વૈષ્ણ‌વાચાર્યના સત્સંગ-પ્રવચનનું અવની અને નિશેષ જાંબુડીના સંકલનથી ઓસ્ટીનમાં આયોજન કર્યું હતું.

દ્વારકેશલાલજી મહારાજે સત્સંગમાં જણાવ્યું હતું કે, પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેવો વિચાર ઓછા લોકોને આવે છે અને આ માર્ગે ઓછા લોકો જાય છે. કારણ ભગવાનને કેટલો સમય આપી શકીએ તે પ્રશ્ન ઉદભવે છે. સ- એટલે શ્રીનાથજી, મ-એટલે મહાપ્રભુજી અને ય-એટલે યમુનાજી. આ ત્રણેય સ્વરૂપના ચરણારવિંદમાં આપની રતિ-મતિ દ્રઢ થાય એવો જો પ્રયત્ન કરવો હોય તો પુરુષાર્થ કરી શકાય. પુરુષાર્થ થાય તો પ્રારબ્ધ બદલાય અને પ્રારબ્ધ બદલાય તો ભગવાનનો અનુગ્રહ થાય.

વૈષ્ણવાચાર્યે વધુમાં કહ્યું હતું કે, આજની 21 મી સદીમાં આપણે ટેન્શન અને હાઇપર ટેન્શન વચ્ચે જીવી રહ્યા છે. આ સંજોગોમાં જીવાત્માએ પરમાત્માને મેળવવાની વાત કરવી એ બૌદ્ધિક ચેષ્ટાથી પ્રાપ્ત નથી એવો વિષય છે. પણ જો હ્રદયથી વિચાર કરીએ તો ભગવાન આપણાથી ક્યાંય દૂર નથી.

આ સત્સંગ કાર્યક્રમમાં જીગેશ પટેલે મહાપ્રસાદ સેવાના લાભાર્થીનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમમાં વૈષ્ણવ આગેવાનો નિરવભાઇ, નિયતિબહેન, નિમિશાબહેન શ્રોફ, રશ્મિબહેન દામાની, સ્તુતિબહેન મહેતા, નિકુંજબહેન, અક્ષયભાઇ, હ્યુસ્ટન હવેલીના સૌમિનભાઇ, પરાગ શાહ-ન્યૂજર્સી અને એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા-અમી પટવા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત વૈષ્ણવો ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનો લ્હાવો વૈષ્ણ‌વ સૃષ્ટિને મળે તે હેતુથી ઓસ્ટીનમાં પુષ્ટિ સંપ્રદાયનું સેન્ટર સ્થાપવા સંકલ્પબદ્ધ થયા હતા.