મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકા : દેવભૂમિ દ્વારકાની નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વત્સલ ગોંડલીયાએ દાવેદારી કરી છે. હાલ ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. જોકે આ દરમિયાન ગઈકાલે વત્સલનાં લગ્ન યોજાયા હતા. પણ આજે લગ્નનાં બીજા જ દિવસે વત્સલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે. આજે તેમણે મિત્રો સાથે સાયકલ પર પ્રચાર કર્યો હતો. લગ્નનાં બીજા જ દિવસે પ્રચાર શરૂ કરનાર આ ઉમેદવારની મહેનત જોઈ ભાજપ-કોંગ્રેસ સહિતનાં પક્ષો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. જો કે તેની આ મહેનતનું મતદારો કેવું ફળ આપે છે તે તો આવનારો સમય જ બતાવશે. 

જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયા ન.પા.ની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર-4નાં અપક્ષ ઉમેદવાર વત્સલ ગોંડલીયાએ દાવેદારી નોંધાવી છે. આજે સવારે સાયકલ પર સવાર થઈને તેમણે મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો છે. મહત્વનું છે કે, વત્સલ ગોંડલીયાએ હજી ગઈ કાલે વડીલો - સ્વજનોના આશીર્વાદ સાથે નવજીવન શરૂ કર્યું હતું. અને આજે સવારથી ફરી માતા પિતાના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા છે. 
 
વત્સલનાં જણાવ્યા મુજબ, મારા માટે જેટલા લગ્ન મહત્વના હતા, તેટલું જ મહત્વનું ઈલેક્શન પણ છે. તેથી હવે હું મારો સમય ચૂંટણી પ્રચારમાં કાઢીશ. મારી જીવનસંગીની પણ તેમાં મને મદદ કરશે. હવે વોર્ડ નંબર 4ના રહીશોના આશીર્વાદ મેળવી ખંભાળીયા ન.પા.માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવવા માંગે છે. તેઓ જન પ્રતિનિધિ બની લોકોની સેવા કરવા માંગે છે. અને એટલે લોકોને અકર્ષતા મુદ્દાઓને લઈ સ્વદેશી વાહન એવા સાયકલ પર સવાર થઈને પ્રચારની શરૂઆત કરી દીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.