મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા સહિત ગાંધીધામમાં એકાએક પલટાયેલા હવામાન વચ્ચે આજે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રચાઈ ગયો હતો અને છેક ઓખાથી દ્વારકા-ભાટિયા- ખંભાલીયા  સુધીની પટ્ટીમાં કમોસમી જોરદાર ઝાપટા પડ્યા છે. સાથે જ ગાંધીધામમાં પણ વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવરણ ટાઢું બોર થઇ ઉઠ્યું છે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે જીરુંના પાકને પ્રતિકુળ અસર થવાની શક્યતા ઉભી થઇ છે. હજુ વરસાદી માહોલને કારણે વધુ વરસાદની શક્યતા પ્રબળ બની છે.

બે દિવસ પૂર્વે હવામાન વિભાગે સતાવાર જાહેર કરી રાજ્યની દરિયાઈ પટ્ટીમાં વરસાદની શક્યતા દર્શાવી હતી. તા. ૨૦ અને ૨૧મીના રોજ દરિયાઈ પટ્ટી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતાને લઈને આજ સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શરૂઆત ઓખા મંડળથી થઇ હતી. એમાં પણ ઓખા, મીઠાપુરમાં આજે બપોરે ગોરંભાયેલ આકાશ વરસી પડ્યું હતું. ઓખા બાદ મીઠાપુર, સુરજકરાડી, દ્વારકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.

ઓખા મંડળ સુધી કમોસમી વરસાદ થાય તો પણ ખેતીને નુકશાન થવાની ભીતિ ન હતી, પરંતુ દ્વારકા બાદ કુરંગા, બતડીયા, ભાટિયા, લીંબડી, નવાગામ, પીંડારા, રાણ, દાત્રાણા, વડત્રા સુધી કમોસમી વરસાદ પહોંચ્યો હતો. આ ગામડાઓમાં જીરૂનું વાવેતર મહતમ કરવામાં આવ્યું છે. કમોસમી ઝાપટાને કારણે વાડીમાં લહેરારું જીરૂનો પાક સદંતર નિષ્ફળ જવાની સ્થિતિ ઉભી થવા પામી છે. હજુ પણ વરસાદી વાતાવરણ અવિરત રહેતા છેક જામનગર સુધી વરસાદ પહોચવાના આસાર સર્જાયા છે.