મેરાન્યૂઝ નેટવર્ક.દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમી દ્વારકા જિલ્લા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક લગ્ન પ્રસંગે બંદૂકમાંથી ફાયરિંગ કરી લગ્ન વધાવવાની પરંપરામાં એક મહિલાનું મોત નીપજયું છે. લગ્ન કરીને જાન આવતા જ ઉત્સાહ અને ઉલ્લાસમાં બંદુકમાંથી ફાયરિંગ કરવામાં આવતા આ ગંભીર ઘટના ઘટવા પામી છે. જેમાં ખુશીના આ પ્રસંગે દાંડિયા-રસ જોઈ રહેલા એક સદગૃહસ્થે પોતાની બંદૂકમાંથી ફાયરિંગ કરતા અચાનક જ છુટેલી ગોળીએ ૫૫ વર્ષીય મહિલાનો ભોગ લેતા શોક છવાઈ ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ પોલીસના જણાવ્યા પ્રમાણે કલ્યાણપુર ગામે રહેતા ભુપતભાઇ ટપુભાઇ ગોજીયાના પુત્રના લગ્નનો અવસર હતો. તેમનો પુત્ર પરણીને જાન કલ્યાણપુર ગામે આવી હતી. જયાં તેમના પરિવારજનો અને મહેમાનો પણ જાનને વધાવવા માટે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સ્થળે બાપ-દાદાના વખતથી અંગત સંબંધ ધરાવતા ૬૦ વર્ષના રાણાભાઇ ગોવિંદભાઇ પરમાર તેમના પત્ની પુંજાબેન રાણાભાઇ સાથે આવ્યા હતા.

ગામમાં જાન આવતા તેને જોવા માટે આવેલા દંપતિ રાણાભાઇ તથા પુંજાબેન દાંડીયારાસ રમતા જાનૈયાઓને નિહાળી રહ્યા હતા, તે દરમ્યાન ભારે ઉત્સાહમાં આવેલા અરજણભાઇ પાલાભાઇ ડાંગર (રહે.કલ્યાણપુર) એ તેમની પાસે રહેલી બંદુકના જોટામાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે અકસ્માતે કાર્ટીઝના છરા પુંજાબેન રાણાભાઇના માથા, કપાળ તથા મોઢાના ભાગે વાગતાં તેમને ગંભીર ઇજાઓ ઈજાઓ થઇ હતી. જેમાં પુંજાબેન પુંજાબેનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ કરૂણ બનાવ અંગે મૃતક મહિલાના પતિ રાણાભાઇ પરમારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે અરજણભાઇ ડાંગર સામે આઇ.પી.સી.કલમ 304(અ) તથા આર્મ્સ એકટ હેઠળ ગુનો નોધ્યો છે. આ બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ વાય. જી. મકવાણાએ હાથ ધરી છે.