મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકા : જિલ્લાના ભાણવડમાંથી SOGને એક મોટી સફળતા મળી છે. ભાણવડ ખાતે SOG ટીમે પેટ્રોલીંગ દરમિયાન ભાણવડ ત્રણ પાટિયા પાસે આવેલ ચાર પાટિયા બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. મૂળ ભાણવડનો ઈસમ મુંબઈ મીરારોડ પર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ મહંમદ હુસૈન અલી રીંડાણીને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ MD ડ્રગ્સનાં 124 ગ્રામ 500 મિલી ગ્રામ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનીલ જોશીએ કહ્યું હતું કે, પોલીસે આરોપી વિરૂધ્‍ધ ભાણવડ પોલીસમાં એનડીપીએસ. કલમ ૮(સી), ર૦(બી) તથા ૨૯ મુજબ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીને પૂછપરછ કરતા આરોપીએ જામનગરના એક વ્યક્તિને ડ્રગ્સ આપવાનો તેમજ મુંબઈથી સપ્લાયર કરતા ઈસમનું પણ નામ પોલીસની પૂછપરછમાં કબૂલ કર્યું છે. સાથે જ કલ્યાણપુર પોલીસ મથકના અધિકારીને ડ્રગ્સ મામલાની ખાસ તપાસ સોંપાઈ છે. આ આરોપી સામે અગાઉ પોરબંદર ખાતે ગાંજો વેચાણનો ગુનો નોંધાયો છે. ત્યારે મુંબઈમાં તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.