મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના રૂપેણ બંદરના માછીમાર સાથે મીઠા સબંધો બંધાયા બાદ યુવતીની માછીમાર સાથેની ખંભાલીયાની મુલાકાત દરમિયાન પોલીસના નામે આવી પહોંચેલા બે શખ્સોએ પ્રૌઢ માછીમાર પાસેથી રૂપિયા એક લાખ ઉપરાંત બે કટકે પડાવી લીધાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસના સ્વાંગમાં રૂપિયા પડાવી ગયેલ ખરેખર પોલીસકર્મીઓ છે કે નકલી પોલીસ તે સબંધે પોલીસે તપાસ હાથ ધરી છે. 

દ્વારકા નજીકના રૂપેણ બંદરે રહેતા અને માછીમારીના ધંધા સાથે સંકળાયેલા શખ્સને ખંભાલીયાની યુવતી સાથે ટેલીફોનીક વાતચીત થયા બાદ મીઠા સબંધોની આપલે થઇ હતી. દરરોજની હેતભાવની વાતો બાદ યુવતીએ પ્રૌઢને ખંભાલીયા ખાતે બોલાવ્યો હતો. તાજેતરમાં બંનેની મુલાકાત થઇ હતી. પોરબંદર રોડ પર આવેલ મોટાપીરની દરગાહ પાસે આવેલ જાળી ઝાખરાઓમાં બંને વાતો કરતા હતા. તે જ સમયે એક મોટર સાયકલ પર બે શખ્સો આવી ગયા હતા. પોતાની ઓળખ રાજભાના નામે આપી બંને પોલીસ કર્મચારીઓ હોવાનું જણાવ્યું હતું. જેને લઈને પ્રૌઢ અને યુવતી બંને ગભરાઈ ગયા હતા.

મામલો રફેદફે કરવા માટે કથિત પોલીસકર્મીઓએ રૂપિયા બે લાખ માંગ્યા હતા. જેની સામે એક લાખમાં સોદો થયો હતો. ત્યારબાદ સ્થળ પર જ બંને શખ્સો પાંચ હજાર રૂપિયા લઇ ગયા હતા. બાકીની રૂપિયા 95 હજારની રકમ દસ દિવસ પૂર્વે વસુલી હતી. ત્યારબાદ પણ બંને શખ્સોએ બાકી રહેતા ૧૦ હજારના બદલે રૂપિયા ૨૦ હજાર પડાવી લીધા હતા. છતાં પણ શખ્સોની વધુ રૂપિયા આપી દેવા ફોન પર સતત ધમકીઓ આવતા પ્રૌઢે વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ ખરેખર હની ટ્રેપનો મામલો છે કે પછી નકલી પોલીસનું તોડ પ્રકરણ છે? આ બાબતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.