મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કદાવર નેતા પબુભા માણેકે એક જાહેર સભામાં સ્થાનિક આરટીઆઈ એક્ટવીસ્ટને ગર્ભિત ધમકી આપી હોવાની ઉચ્ચ સ્તરે રજૂઆત થઇ છે. જાહેરસભામાં જે ભાષણબાજી કરવામાં આવી છે તેમાં પબુભાએ શિવ શિવ કરી દેવાની વાત કહી ગર્ભિત ધમકી આપી છે એવો આક્ષેપ આરટીઆઈ એક્ટવિસ્ટસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે ગંભીરતા પૂર્વક રજૂઆત કરી પોતાના જીવને જોખમ હોવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.  

તાજેતરમાં વિવાદમાં રહેલા દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને હાઈ કોર્ટે લપડાક આપતા પદ ગુમાવવાની નોબત આવી પડી હતી. થોડો સમય પૂર્વે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ પબુભાએ એક ગામડામાં એક નાગરીકને ઝાપટ મારવાની વાત કરી હતી જે તે સમયે પબુભાની ધમકીનો વીડિયો વાયરલ થયો હતો. વારે વારે વિવાદમાં રહેતા દેવભુમી દ્વારકા જીલ્લાના બાહુબલી નેતા માણેકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં સુરજકરાડી ખાતેની એક જાહેર સભામાં વિકાસની વાતો કરતા કરતા પબુભાની ગાડી આરટીઆઈ એક્ટવિસ્ટ પર આવીને ઉભી રહી ગઈ હતી. હાલના વિકાસ કર્યો એક ટેલર છે હવે કામ બાકી છે. કામમાં અડચણ રૂપ થતા હોવાનો ભાવ દર્શાવી પબુભાએ આ આરટીઆઈ એક્ટવિસ્ટને ટાંકી જાહેરમાં બોલ્યા હતા કે થોડા ઘણા સુવર (આરટીઆઈ એક્ટવિસ્ટ) પેદા થઇ ગયા છે, તેમ ક્યાં નેતાને સજા અપાવવાના છો ? તમને ભગવાન સદબુધિ આપે, ને નહીં આપે તો...તીસરી આંખ ખુલશે અને શિવ શિવ...થશે. 

આ શિવ શિવ અને તીસરી આંખને આરટીઆઈ એક્ટવિસ્ટસ બાલુભા હાથલ, દિનેશ પરમાર, કમલેશ રોશિયા સહીત ચાર એ ગર્ભિત ધમકી સાથે સરખાવી રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ, મુખ્ય મંત્રી,  ગૃહ મંત્રી અને ડીજી સહીત જુદા જુદા ૧૭ વિભાગોના વડાઓને રજૂઆત કરી પોતાની જાનને જોખમ હોવાનો ઉલ્લેખ કરી પોલીસ બંદોબસ્ત અથવા હથિયારનું લાયસન્સ આપવાની માંગણી કરી છે.