મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ ઓખા-દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં તોફાનમાં સપડાયેલ સાત માછીમારી બોટ લાપતા બનતા માછીમાર પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ગઈ કાલે એક માછીમારનો મૃતદેહ દ્વારકા નજીકના દરિયા કિનારે તણાઈ આવ્યા બાદ આજે વધુ ચાર મૃતદેહ દરિયા કિનારે તણાઈ આવ્યા છે. હજુ પણ પંદર જેટલા માછીમારો લાપતા છે. જ્યારે ત્રણ માછીમારો કલાકો સુધી દરિયામાં તરી કિનારે પહોંચ્યા છે. ઘટનાના બે દિવસ બાદ પણ બોટ કે લાપતા ખલાસીઓના કોઈ સગડ સાંપડ્યા નથી.

ઓખા અને દ્વારકા નજીકના દરિયા કિનારેથી માછીમારી કરવા ગયેલ સાત માછીમારી બોટ એકાએક આવી ચડેલ તોફાનમાં સપડાઈ હતી. ગઈ કાલે સવારે તોફાનમાં સપડાયેલી બોટો પૈકી સાત બોટ લાપતા બની છે.

સમુદ્રના રૌદ્ર સ્વરૂપમાં સમાઈ ગયેલ બોટમાના એક ખલાસીનો મૃતદેહ દ્વારકા નજીકના દરિયા કિનારેથી ગઈ કાલે મળી આવ્યો હતો. જેના પગલે દરિયો ખેડવા ગયેલ તમામ માછીમાર પરિવારોમાં શોક સાથે ચિંતાનું મોજું પ્રશરી ગયું છે.

દરમિયાન આજે સવારે ત્રણ માછીમારો કલાકો સુધી દરિયામાં તરી જીવન મરણ વચ્ચે અંતર કાપતા દરિયા કિનારે પહોચ્યા હતા. જેને તંત્ર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે ગુમ થયેલ બોટ પૈકીના લાપતા બનેલ માછીમારો પૈકી વધુ ચાર માછીમારોના મૃતદેહ આજે દ્વારકા નજીક ધ્રેવાડ, ભીમપરા અને ઓખામઢીના દરિયા કિનારેથી મળી આવ્યા હતા.

જેને દ્વારકા પોલીસના પ્રવીણસિંહ અને ઇન્દ્રસિંહ જાડેજાએ હોસ્પિટલ પહોચાડી દરિયા કિનારાનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હજુ પણ સાત બોટ અને આ બોટમાં સવાર પંદરથી વધુ માછીમારોનો કોઈ સંપર્ક થયો નથી.

દરિયામાં ગુમ થયેલ માછીમારોની ભાળ મેળવવા કોસ્ટ ગાર્ડ અને ફીસરીજ  તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ચોમાસાની સીજન હોવાથી ફીસરીજ વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારેથી ચાર માસ સુધી માછીમારી કરવા અને દરિયો ખેડવા પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ અરબી સમુદ્રમાં માછીમારી થઇ રહી છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. લાપતા બનેલ માછીરમારોના પરિવારજનોના જીવ તાળવે ચોટયા છે.