મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજે દુર્ગાષ્ટમી હોવાથી રાજવી પરિવારે પોતાની પરંપરા જાળવી રાખી હતી. કોરોના મહામારી હોવાથી રાજવી પરિવાર દ્વારા મર્યાદિત સંખ્યામાં જ લોકોની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે હવન યોજાયો હતો. તેમજ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરાયો હતો. હવનના સમય દરમિયાન લોકોની ભીડ ન થાય તે માટે વ્યવસ્થા જાળવવા મંદિરનાં પટાંગણમાં બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ તકે મીડિયા સાથે વાતચીતમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે,  આશાપુરાનું મંદિર અમારા વડવાઓએ બનાવડાવ્યું હતું. કારણ કે આશાપુરા જાડેજા વંશના કુળદેવી છે. ત્યારે દર વર્ષે કુળદેવીના મંદિરના પટાંગણમાં સેંકડોની સંખ્યામાં બાળાઓ રાસ લેતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રાચીન ગરબીઓ પણ બંધ રાખવાનો વારો આવ્યો છે. જેના કારણે ચાલુ વર્ષે આશાપુરાના મંદિરના પટાંગણમાં વર્ષોથી ચાલતી પરંપરા રોકવાની ફરજ પડી છે. પરંતુ વર્ષોથી જે આસો સુદ અષ્ટમીનો વાર્ષિક યજ્ઞમાં આશાપુરાનું પૂજન કરવામાં આવે છે તે પરંપરા કોરોનાકાળની અંદર પણ રાજવી પરિવાર દ્વારા યથાવત રાખવામાં આવી છે.


 

 

 

 

ઉલ્લેખનીય છે કે, હાલ નવરાત્રીને લઈને રાજકોટના પેલેસ રોડ પર આવેલા માતા આશાપુરાના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે દુર્ગાષ્ટમી હોવાથી માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દુર્ગાષ્ટમી હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા.