મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના મોરબી રોડ પરના ભગવતી હોલ નજીક માતેલા સાંઢની માફક જતા ડમ્પરે એક્ટિવાને ફંગોળ્યું હતું. જેને પગલે એક્ટિવામાં સવાર દેરાણી-જેઠાણીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને 108 તથા પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

મોરબી રોડ પર આવેલા સીતારામ પાર્ક સોસાયટીમાં રહેતી દેરાણી-જેઠાણી 25 વર્ષીય અંજનાબેન આશિષભાઇ સોલંકી અને 29વર્ષીય મનિષાબેન ધર્મેશભાઇ સોલંકી એક્ટિવા લઇને જઈ રહ્યા હતા. દરમિયાન ભગવતી હોલ પાસે ડમ્પરે હડફેટે લેતા બન્ને ઉછળીને રોડ પર પટકાતા ગંભીર ઇજાને પગલે સ્થળ પર જ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.