પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): જામનગરના કુખ્યાત અને લેન્ડ ગ્રેબર જયેશ પટેલનો આતંક જામનગરમાં વધતા રાજ્યના ગૃહવિભાગે જયેશ પટેલને નાથવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને જામનગરમાં ડીએસપી તરીકે મુક્યા હતા. છેલ્લા આઠ મહિનાની લાગલગાટ મહેનત આખરે રંગ લાવી અને લંડનમાં છૂપાઈને બેઠેલા જયેશ પટેલને શોધી કાઢવામાં આખરે સફળતા મળી હતી. લંડન પોલીસની મદદથી જયેશ ઝડપાયો, તેના પગલે એડવોકેટ કિરિટ જોશીના હત્યા કેસમાં ફરાર ત્રણ શાર્પ શૂટર્સને જામનગર પોલીસે કલકત્તાથી ઝડપી લીધા છે.

જયેશ પટેલનો આતંક જામનગરમાં એટલો વધી ગયો હતો કે, તે ધારે ત્યારે ખુલ્લેઆમ ગુનો આચરતો, કોઈપણ વ્યક્તિની જમીન પડાવી લેતો હતો અને તેને આડે આવનારની તે હત્યા પણ કરાવી દેતો હતો. એડવોકેટ કિરિટ જોશીની આવા જ એક મામલે તેમની ઓફીસ બહાર હત્યા કરાવી નાખી હતી.


 

 

 

 

 

કોઈપણ ગુનેગાર રાજકીય પીઠબળ વગર મોટો થઈ શક્તો નથી. જયેશનું ગુનાની દુનિયામાં જે રીતનું કદ વધી રહ્યું હતું તેમાં સ્થાનિક રાજનેતાઓના આશિર્વાદ પણ હતા. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી હતી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પરિમલ નથવાણીએ પણ આ મુદ્દે જાહેરમાં ટીકા કરી હતી.

રાજ્યના ગૃહવિભાગને ગંભીરતાનો ખ્યાલ આવતા તેમણે ઓપરેશન જયેશ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રન ઉપર પોતાની પસંદગી ઉતારી હતી. દીપેન ભદ્રનને પોતાની ટીમ પસંદ કરવાની પણ છૂટ આપવામાં આવી હતી. દીપેન ભદ્રનને આણંદના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી સહીત અલગ અલગ અધિકારીઓને પસંદ કરી જામનગર લઈ ગયા હતા. આઠ મહિનાની લાટલગાટ તપાસના અંતે દેશ છોડી ચુકેલા જયેશ લંડનમાં હોવાનું શોધી કાઢ્યું હતું. જામનગર પોલીસે જયેશનું ચોક્કસ સરનામું શોધી લંડન પોલીસ સાથે સંકલન કર્યું હતું.

ગત રાત્રે લંડન પોલીસને જયેશને પકડી પાડવામાં સફળતા મળી હતી. જામનગર પોલીસને જાણકારી મળી હતી કે એડવોકેટ કિરિટ જોશીની હત્યા માટે રૂપિયા 2 કરોડની સોપારી આપવામાં આવી હતી. એ ત્રણ હત્યારાઓ હાલમાં કલકત્તામાં આશ્રય લઈ રહ્યા છે. જેના આધારે જામનગર પોલીસની ટીમે કલકત્તા પહોંચી હતી અને મુસ્લીમ વેશ ધારણ કરી ઓળખી શકાય નહીં તેવી રીતે બે ઠક્કર બંધુઓ સહિત ત્રણેય આરોપીઓને કલકત્તાથી ઝડપી પાડ્યા હતા. કલકત્તા કોર્ટ પાસે ટ્રાન્ઝીક્ટ રિમાન્ડ મેળવી તેઓ જામનગર આવવા રવાના થઈ ચુક્યા છે. આમ ઓપરેશન જયેશને મુકામ સુધી પહોંચાડવામાં ડીએસપી દીપેન ભદ્રનની ટીમ સફળ રહી છે.