મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ગુજરાત એસટી ડેપોમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ નશામય હાલતમાં ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ અગાઉ બહાર આવી છે ત્યારે દ્વારકા એસટી બસ ડેપોની દ્વારકા- શ્રી નાથદ્વારા બસ નો કંડકટર  નશામાં ધૂત બની બસમાં ઢળી પડતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા કંડક્ટરે દારૂ પીધેલ જણાતા શામળાજી પોલીસને જાણ કરાતા શામળાજી પોલીસે કંડકટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સમગ્ર ઘટનાના પગલે દ્વારકા-શ્રી નાથદ્વારા બસમાં મુસાફરી કરાતા મુસાફરોએ ૩ કલાક સુધી રઝળવાનો વારો આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

શનિવારે દ્વારકાથી શ્રી નાથદ્વારા નીકળેલી એસટી  બસ રવિવારે શ્રીનાથ દ્વારા પહોંચી સોમવારે શ્રી નાથદ્વારાથી પરત આવતી હતી ત્યારે બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ જીવાભાઈ વાઘેલા (રહે, જાદવવાસ, સાણંદ, અમદાવાદ) શામળાજી બસસ્ટેન્ડ માં બસ પહોંચી ત્યારે લથડિયાં ખાઈ બેભાન થઈ બસમાં ઢળી પડતા એસટી બસના ડ્રાઈવર દેવાભાઇ જીવણભાઈ હાથિયા (રહે, દ્વારકા) એ કંડકટરને નશામાં ધૂત જણાતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે શામળાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

કંડક્ટર નશામાં ચકનાચૂર હોવાથી શામળાજી પોલીસને જાણ કરાતા તાબડતોડ દવાખાને પહોંચી કંડકટરની ધરપકડ કરી એસટી બસના ડ્રાઈવર દેવાભાઇ જીવણભાઈ હાથિયા (રહે, દ્વારકા) ની ફરિયાદના આધારે બસ કંડક્ટર નિલેશભાઈ જીવાભાઈ વાઘેલા (રહે, જાદવવાસ, સાણંદ, અમદાવાદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.