દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ) : અમદાવાદમાં હવે બહારના દેશોની જેમ ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. સર્વ પ્રથમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આવી સુવિધા વિકસાવવામાં આવી ત્યાર બાદ મણિનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સનફ્લાવર લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે આજથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં ચાંદલોડિયામાં પણ આવી ટેસ્ટની સુવિધા શરૂ થવા જઇ રહી છે.

ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગના કારણે લોકો ઓછી તકલીફમાં જ પોતાના RT PCR ટેસ્ટ કરાવી શકશે. મણિનગર સ્થિત કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં આ સુવિધા ઉલબ્ધ કરાવવામાં આવી છે. ડ્રાઇવ થ્રુ ટેસ્ટમાં ટેસ્ટ કરાવવા આવનાર વ્યક્તિને પોતાની કારમાં જ બેસીને ટેસ્ટ થઈ જાય છે તેમને પોતાની કાર માંથી નીચે ઉતારવાની જરૂર નથી. આ ઉપરાંત કાર સિવાય બાઈક, રીક્ષા અને ચાલતા આવનારા વ્યક્તિઓના પણ અહીંયા ટેસ્ટ કરવામાં આવશે. ચાલતા આવતા વ્યક્તિઓ માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ટેસ્ટિંગ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાંથી બે ડોમ ડ્રાઇવ થ્રુ માટે છે અને એક ડોમ ચાલતા આવતા વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યા છે. અહીંયા ટેસ્ટિંગ માટે સવારે ૮ વાગ્યા થી સાંજના ૮ વાગ્યા સુધીનો સમય છે. રોજના ૫૦૦ થી ૧૦૦૦ ટેસ્ટ કરવા માટે સનફ્લાવર લેબોરેટરીની તૈયારી છે.


 

 

 

 

 

મણિનગર વિસ્તારમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકોને સર્વ પ્રથમ www.sflab.in આ સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ માત્ર એક જ મિનિટમાં તેમનું સેમ્પલ લઈ લેવામાં આવશે અને ત્યાર બાદ ૨૪ કલાકમાં આ ટેસ્ટનું પરિણામ તેમને પોતાના મોબાઈલમાં જ મેસેજના માધ્યમથી મળી જશે. ચાલતા આવતા વ્યક્તિઓ માટે ભીડ હોય તો અલગથી વ્યવસ્થા છે. જેના કારણે સંક્રમણ થવાની સંભાવના ઓછી કરી શકાય.