દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં બેડ માટે વલખા મારવા પડે છે. અમદાવાદ ૧૨૦૦ બેડ કોવીડ સેન્ટરમાં કલાકોનું વેઇટિંગ છે એવા સમયે અમદાવાદના જીએમડીસી ખાતે બનાવેલી DRDO ની ૯૦૦ બેડની ધન્વંતરી હોસ્પિટલમાં મોટા ભાગના બેડ ખાલી પડ્યા છે. પણ તંત્ર દ્વારા ત્યાં એવો અણધડ નિયમ બનાવવામાં આવ્યો છે કે,  ૧૦૮ માં આવનારા દર્દીઓને જ દાખલ કરવામાં આવશે. જો કે નામદાર હાઇકોર્ટે એવું સૂચન કર્યું છે કે દર્દી કોઈ પણ રીતે આવે તેને સારવાર મળવી જોઇએ.

જીએમડીસી ખાતે મોટી સંખ્યામાં લોકો ખાનગી એમ્બ્યૂલન્સ, ખાનગી ગાડીઓ અને રિક્ષામાં આવે છે. બીજી હોસ્પિટલમાંથી દર્દીઓને કહેવામાં આવે છે કે ધન્વંતરિ હોસ્પિટલમાં લઈ જાઓ દર્દીને ત્યાં જગ્યા છે. પણ અહીં આવ્યા પછી ૧૦૮ વગર દર્દીઓને દાખલ કરવામાં તો નથી જ આવતા પણ કોઈ પ્રાથમિક સારવાર પણ નથી આપવામાં આવતી. અહીં સુધી કે છેલ્લા શ્વાસ જેવી ગંભીરતામાં પણ નિયમોને નેવે મુકી કામ થતું નથી અને માણસને મરવા દેવાય છે. જેના લીધે હોસ્પિટલના દરવાજે જ ૨ દિવસ પેહલા ૨ દર્દીઓનું મૃત્યુ થયું હતું અને ગઈ કાલે મધરાતે લગભગ બે વાગ્યાના સુમારે એક આધેડ વયના દર્દીનું મૃત્યુ બરાબર નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટાની નીચે થયું. દર્દીના સગા ધન્વંતરી હોસ્પિટલના ગેટની બહાર જ આક્રંદ કરતા હતા પણ પ્રશાસન દ્વારા એમને કોઈ મદદ ન મળી અને દર્દીએ પોતનો જીવ ગુમાવ્યો. (વિડિયો અંતમાં દર્શાવ્યો છે.)


 

 

 

 

 

દર્દીઓના સગા આવીને સિક્યુરિટી અને પોલીસની સાથે બોલાચાલી કરે છે પણ આ કર્મચારીઓ પોતાની નોકરી સાથે જકડાયેલા છે તેઓ પણ ઉપરથી મળતાં આદેશોનું જ પાલન કરે છે. આ કર્મચારીઓને પણ દર્દીઓ પર દયા આવે છે પણ પ્રશાસન સામે તેમના હાથ બંધાયેલા છે. તંત્રનો એવો ભય આ કર્મચારીઓમાં જોવા મળે છે કે તેઓ ભયના કંપન પાછળ પોતાની માનવતા છુપાવી દે છે.

પ્રશાસન દ્વારા અણઘડ નિયમોનું કર્મચારીઓ જોડે ફરજિયાત પાલન કરાવવામાં આવે છે. આ નિયમોના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ લોકોના મૃત્યુના જવાબદાર કોને ગણવા? આ નિર્દોષ લોકોના જીવન અને મૃત્યુની વચ્ચે માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટાની વચ્ચે રહેલા બેરિકેટ્સ છે. 

ઉલ્લેખનીય છે કે, આવા મહામારીના સમયે ૧૦૮ ઇમરજન્સી સેવાઓમાં કામનો ભાર અત્યંત વધારે હોવાના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર દર્દીઓ સુધી પહોંચી નથી શકતી, બેથી ત્રણ દિવસનું વેઇટિંગ ચાલે છે. તો આવા સમયે હોસ્પિટલ પ્રશાસન એ એક વાર વિચાર કરવો જોઈએ જો ૧૦૮ એમ્બ્યૂલન્સની રાહ જોતા જોતા દર્દીને કઈ થઇ જાય તો એના માટે જવાબદારી કોની રહશે. ૧૦૮ ન મળતાં દર્દીઓ ખાનગી સાધનોની મદદથી હોસ્પિટલ પહોંચે છે તો તેમને સારવાર મેળવવાનો અધિકાર નથી. એક એડવોકેટના જણાવ્યા મુજબ ભારતના બંધારણમાં પ્રાથમિક સારવાર મેળવવાનો દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ધન્વંતરિ હોસ્પિટલનો આ અણઘડ નિયમ નાગરિકોના આ મૂળભૂત અધિકારનું હનન કરે છે આ અંગે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાવા જોઇએ.