રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): અહેવાલ શરૂ કરતાં પહેલા આપને જણાવી દઈએ કે, હાલમાં ડિસમિસ થયેલા અને પોતાની પ્રામાણિકતા તથા અડગ નિર્ણય માટે જાણીતા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવે પોતાની મામલતદાર તરીકેની કારકિર્દી દરમ્યાન થયેલા અનુભવો વિષે એક પુસ્તક લખ્યું છે. 'તેજોવધ'. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માત્ર બે સપ્તાહમાં પુરી થઇ ગઈ છે. અહીં દર્શાવાયેલો અહેવાલ તેમના આ પુસ્તકમાંથી છે અને નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ ચિંતન વૈષ્ણવની કામગીરી અંગે પોતાના અનુભવ પણ અહીં મુક્યા છે.

“આપણે ઘરકામ માટે સારા માણસ રાખીએ છીએ. આપણે કલરકામ / પ્લમ્બિંગ કામ / ફર્નિચર કામ કરાવતા પહેલાં વિચારીએ છીએ કે તેનું કામ બરાબર છે કે નહીં? તો પછી મતદાનના દિવસે વાદળી બટન દબાવતા પહેલાં આપણે કેમ ગંભીરતાથી વિચારતા નથી? આપણને મતદાનના અધિકારની જાણકારી છે; પણ કોને મત આપવો જોઈએ તેનો વિવેક નથી. આપણે જ્ઞાતિવાદના આધારે મતદાન કરીએ છીએ. કેટલાંક પૈસાની લાલચમાં / અંગત સ્વાર્થમાં મતદાન કરે છે. પરિણામે આપણને સારો અને સમાજ ઉપયોગી નેતા મળતો નથી. કોઈપણ પક્ષ હોય, મોટા પૈસા ખર્ચી શકનારો બાહુબલી વ્યક્તિ જ ટિકિટ મેળવે છે. આપણે  આપણા પ્રતિનિધિ તરીકે  એજ્યુકેટેડ, બુધ્ધિશાળી, સમાનતા, સ્વતંત્રતા, સામાજિકન્યાય અને માનવગૌરવ પ્રત્યે પ્રતિબધ્ધ વ્યક્તિને ચૂંટવો જોઈએ. જો ખરા અર્થમાં સિસ્ટમને વધારે બહેતર બનાવવી હોય તો સૌથી પહેલાં વિધાનસભા અને લોકસભામાં આપણા પ્રતિનિધિઓની પસંદગી બાબતે આપણે નક્કર વિચારવું પડશે. કેટકેટલાંય કૌભાંડો રોજેરોજ થાય છે; કેટલાંક બહાર આવે છે તો મોટાભાગના કૌભાંડો અંગે કોઈને ખ્યાલ જ નથી આવતો. શું આમ જ ચાલવા દેવું છે?” તત્કાલીન મામલતદાર ચિંતન વૈષ્ણવની આ વ્યથા સમજવા જેવી છે. સંવેદનશીલ શિક્ષિકા ચંદ્રિકાબેન સોલંકીનો આભાર માનું કે તેમણે ‘તેજોવધ’ પુસ્તક મને મોકલ્યું. પોલીસ અધિકારીઓની કામગીરીમાં રાજકીય નેતાઓ માથું મારે છે; તેનો જાત અનુભવ છે; પરંતુ રેવન્યૂ વિભાગમાં નેતાજીની દખલ કેવી હોય છે; તેનો ખ્યાલ તો ‘તેજોવધ’ વાંચવાથી આવ્યો.

એવા કેટલાંય કિસ્સાઓ છે જેમાં અધિકારી ઉપર ACB એ કેસ કર્યો હોય છતાં પ્રમોશન આપવામાં આવ્યું હોય; જેલમાં લાંબો સમય રહ્યા હોય તેવા પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યા હોય. જ્યારે ચિંતન વૈષ્ણવ ઉપર આ પ્રકારનો કોઈ કેસ ન હતો; છતાં તેમને કાયમી કરી, પ્રમોશન આપવાને બદલે 2 માર્ચ, 2019 નારોજ મહેસૂલ વિભાગે આ પ્રકારનો હુકમ કર્યો: “2011 ની બેચના સીધી ભરતીથી મામલતદારની જગ્યાએ નિમાયેલા ચિંતન વૈષ્ણવ અજમાયશી દરજ્જે ફરજો બજાવે છે. તેમના મૂલ્યાંકન અહેવાલો જોતાં તેમની કામગીરી નબળી છે. તેમણે વર્તણૂંક નિયમોનો ભંગ કરેલ છે, તે ખાતાકીય તપાસમાં પુરવાર થયેલ છે. તેમની અજમાયશી તરીકેની કામગીરીના તબક્કે જ તેઓ કામગીરી અને વર્તણૂકનું અપેક્ષિત સ્તર જાળવી શકેલ નથી; ત્યારે ભવિષ્યની તેમની સરકારી અધિકારી તરીકેની સેવાઓ લાંબાગાળા અને કાયમી ધોરણે સરકારી સેવામાં ચાલુ રાખવા જાહેરહિતમાં યોગ્ય ગણાશે નહીં. તેમની કામગીરી નિષ્ઠાભરી રહી નથી. તેમને સરકારી સેવામાં ચાલુ રાખવામાં આવે તો વહિવટી તંત્રમાં બીજા ઘણા અજમાયશી અધિકારી/ કર્મચારીઓમાં તેનો ખોટો સંદેશ જશે અને ખોટો દાખલો બેસશે. આમ તેમને લાંબાગાળા માટે સરકારી સેવામાં ચાલુ રાખવા જાહેર હિતમાં યોગ્ય જણાતું નથી; જેથી તેમની અજમાયશી મામલતદાર દરજ્જાની સેવાઓ 2 માર્ચ, 2019 ના રોજ કચેરી સમય બાદથી સમાપ્ત કરવાનો હુકમ કરવામાં આવે છે.”

સંવેદનશીલ સરકારની નિર્દયતા તો જૂઓ; નાયબ કલેક્ટરનું પ્રમોશન આપવાને બદલે તેમની નોકરી જ સમાપ્ત કરી દીધી ! કીડીને કોશનો ડામ ન દેવાય; ચીભડાના ચોરને ફાંસી ન દેવાય ! આવી ડહાપણની વાતો માત્ર સાંભળવાની છે કે તેનો અમલ થાય તે માટે જાગૃત રહેવાનું છે? વિચારવા લાયક મુદ્દો એ છે કે જો મામલતદાર ચિંતન વૈષ્ણવની કામગીરી નિષ્ઠાના અભાવવાળી હતી કે નબળી હતી; તો 2011 થી 2019 સુધીના તેમના ખાનગી અહેવાલોમાં તેમના ઉપરી અધિકારીઓએ ‘વેરી ગુડ’ / આઉટ સ્ટેન્ડિંગ’ રિમાર્કસ કેમ આપ્યા હશે? તેમનો અજમાયશી સમયગાળો (પ્રોબેશન પીરિયડ) જાણીજોઈને આઠ વર્ષ સુધી કેમ પુરો કરવામાં ન આવ્યો? કેટલાંકને તો અજમાયશી સમયગાળામાં જ લાંચ લેતા રંગે હાથ ACB એ પકડેલા હોવા છતાં તેમનો અજમાયશી સમયગાળો પુરો કરવામાં આવે છે અને તેમને પ્રમોશન મળી જાય છે; આવું કેમ? નાણાકીય કે રાજકીય પીઠબળ હોય તો બધું જ શક્ય છે. પ્રશ્ન એ છે કે તેમની કામગીરી નબળી હતી તે કારણસર તેમની નોકરી સમાપ્ત કરવામાં આવી કે કામગીરી ‘વેરીગુડ / આઉટ સ્ટેન્ડિંગ’ હતી એટલે? રાજકીય નેતાઓના ઈશારે ગુનેગારોના એન્કાઉન્ટર થાય છે; પરંતુ આ કિસ્સામાં તો રાજકીય નેતાના ઈશારે એક ‘વેરીગુડ / આઉટ સ્ટેન્ડિંગ’ અધિકારીનો ભોગ લેવાઈ ગયો ! સરકાર પોતે પારદર્શક, સંવેદનશીલ છે; એવો ઢોલ સતત પીટે છે, તે કેટલે અંશે ઉચિત છે?

પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરવા માટે અહીં ક્લિક કરો