ઉર્વિશ પટેલ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુકત શિક્ષણ શાસ્ત્રીનું નામ બહુ આદારથી લેવામાં આવે છે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ શિવેન્દ્ર ગુપ્તા પોતાના પદની ગરીમાને સમજી શકયા નથી અથવા પચાવી શકયા નથી તેવું લાગી રહ્યું છે, શિવેન્દ્ર ગુપ્તા નર્મદ યુનિવર્સિટીનું શિક્ષણ સ્તર સુધરે તે કરતા વધુ પોતાની આબરૂ કઈ રીતે વધે તે તરફ ધ્યાન આપી રહ્યા છે. અમે ગુજરાત હાઈકોર્ટમાં નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સામે થયેલી ફરિયાદ અને કુલપતિ તરીકે તેમને સામે ઊભા થયેલા પ્રશ્નો અંગે જે કઈ લખ્યું તેને વળગી રહીએ છીએ કારણ પત્રકાર તરીકે આ અમારો સ્વભાવ અને ધર્મ છે પરંતુ સામાન્ય રીતે પોતાની વિરૂધ્ધ કઈ પણ પ્રસિધ્ધ થાય ત્યારે પોતાના વકિલ મારફતે અખબારનવેશોને ડરાવી દેવાની ભુલ કરતા શિવેન્દ્ર ગુપ્તાએ અમને પણ ડરાવવા માટે પોતાના વકિલ દ્વારા અમને પણ નોટિસ મોકલી છે. આમ તો નિયમ પ્રમાણે આ નોટિસનો જવાબ અમારે વ્યકિતગત રીતે આપવો જોઈ પણ પરંતુ શિવેન્દ્ર ગુપ્તા અને તેમના વકિલ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે અમને મોકલાવેલી નોટિસ સોશ્યલ મીડિયા અને અન્ય જાહેર માધ્યમોને મોકલી છે. તેના કારણે અમે ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટની નોટિસનો જાહેર જવાબ આપી છીએ.

શિવેન્દ્ર ગુપ્તાએ અમને મોકલાવેલી નોટિસ દ્વારા ફલિત થાય છે કે, તેમનું જનરલ નોલેજ પણ ખુબ ઓછું છે (1) અમને શિવેન્દ્ર ગુપ્તા દ્વારા મળેલી નોટિસમાં meranews.comના તંત્રી તરીકે પ્રશાંત દયાળ દર્શાવ્યા છે તેઓ પાસે પ્રાથમિક જાણકારી પણ નથી કે પ્રશાંત દયાળની આ પોર્ટલમાં કઈ ભૂમિકા છે, પ્રશાંત દયાળ ગુજરાતના જાણિતા પત્રકાર છે અને તેમને કોઈ સંસ્થા કોઈ ચોક્કસ ભૂમિકામાં બાંધી શકે તે દિવસો હવે પુરા થયા છે, પ્રશાંત દયાળ અનેક અખબારો અને પોર્ટલના ફ્રિલાન્સર પત્રકાર છે. આથી તેઓ આ પોર્ટલના તંત્રી છે. તેઓ તે જાણકારી ખોટી હોવાની સાથે ગુપ્તાના જનરલ નોલેજનું આ પહેલુ પ્રમાણ છે. મેરાન્યૂઝના તંત્રી ઉર્વીશ પટેલ છે. (2) નર્મદ યુનિવર્સિટીની શાખ અને શિવેન્દ્ર ગુપ્તાની શાખ અલગ બાબત છે. તેથી શિવેન્દ્ર ગુપ્તા અંગે લખાયેલા સમાચારને કારણે યુનિવર્સિટીની શાખ બગડી છે તેવું માની લેવાની ગુપ્તાએ ભુલ કરવી જોઈએ નહીં પણ ગુપ્તા લાંબો સમય આ પદ ઉપર રહે તે યુનિવર્સિટીની શાખ સામે પ્રશ્નાર્થ ઊભો થાય તે જુદી બાબત છે.

(3) શિવેન્દ્ર ગુપ્તા અંગે પ્રસિધ્ધ થયેલા સમાચારને કારણે નર્મદ યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ ઉપર અસર થઈ છે તેવો દાવો કરવામાં આવ્યો છે પણ ગુપ્તા તે પ્રકારના પ્રભાવી કુલપતિ નથી. જો તેવું હોત તો હજારો વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉપર ઉતરી આવ્યા હોત પણ તેવું થયું નથી. આમ પોતાના વ્યકિતગત પ્રશ્નોને વિધ્યાર્થીઓ સાથે જોડી દેવાની કુચેષ્ટા કરવી જોઈએ નહીં. આ ઉપરાંત આપના દ્વારા જે પુરાવા માંગવામાં આવ્યા છે તે તમામ પુરાવા ગુજરાત હાઈકોર્ટના દસ્તાવેજમાં છે તે આપને પણ ઉપલ્બધ છે જે અમારે આપવાની જરૂર નથી.

(4) આપ અમને સમાચાર હટાવી લેવાનું અને ગુજરાતના તમામ અખબારમાં માફી માંગવાનું કહો છો પરંતુ જે બાબત અંગે અમે લખ્યું છે તે અંગે તમે કોઈ સ્પષ્ટતા કરી નથી, તમારી વિરૂધ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં 28 ફરિયાદો પડતર છે જે અંગે તમે કોઈ ઉલ્લેખ કરતા નથી, સવાલ માફી માંગવાનો છે તો અમને લાગે છે કે તમે ઉતાવળીયા થયા છો, હાઈકોર્ટના હુકમની તમારે રાહ જોવી જોઈએ કારણ તમારી કુલપતિ તરીકેની નિયુકતી પછી ખુદ ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ છે, એટલે હાલમાં માફી માંગવાનો અને સમાચાર હટાવી લેવાનો તમારે આગ્રહ રાખવો જોઈએ નહીં.

(5) આપ અમને દિવાની અને ફોજદારી દાવા માટે તૈયાર રહેવાની ચીમકી આપી છે, પણ અમે દરિયા ખેડુ છીએ અમારે તો રોજ મગરોનો સામનો કરવાનો છે. તેથી અમને ડરાવવાનો પ્રયત્ન કરશો નહીં, અમે તમામ પરિણામ માટે તૈયાર છીએ. સવાલ તમારા વકિલની 25,000ની ફિ જે અમારે ચુકવવી જોઈએ તેવી તમે માંગણી કરી છે, તો અદાલતના દ્વારા ખુલ્લા છે તમે આગળ વધો અને અદાલતનો આદેશ લાવો અમને ખબર છે અમને અમારા વાંચકો આ કેસ લડવા અને જીતવા 25 હજાર નહીં 25 લાખની પણ મદદ કરવાની થશે તો કરશે. આપને જનરલ નોલેજ માટે કોઈ સારા ટયુટર અને કેસ લડવા સારા વકિલની જરૂર હોય તો કહેજો અમે મદદ કરીશું, કારણ અમે જ્યારે પત્રકાર બન્યા ત્યારથી જ અમારી જીંદગી તો લડવામાં જ પસાર થઈ છે અને એ રીતે આગળ પણ પસાર થશે.