મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ નેતાઓને મળતી સુરક્ષાની સમીક્ષા કરી છે. તે અંતર્ગત મંત્રાલયએ કેટલાક નેતાઓની સુરક્ષાને પાછી લેવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત હવે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને મળનારી એસપીજી સુરક્ષા પાછી લેવાઈ રહી છે. હવે તે ઝેડ પ્લસ સુરક્ષામાં કવર રહેશે.

ભારતમાં સુરક્ષાની શ્રેણી ભયના સ્તર (કેટેગરી)ની સાથે એક સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઈન્ટેલિજેન્ટ્સ બ્યૂરો (આઈબી)ની ભલામણ પર દર વર્ષે ખાસ લોકોની સુરક્ષાની સમીક્ષા કરાય છે. ભયના સ્તરને જોતા વિશેષ અને અતિ વિશેષ લોકોને અલગ અલગ સ્તરની સુરક્ષા અપાય છે.

SPG સુરક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગાંધી પરિવારને એસપીજીની સુરક્ષા પ્રાપ્ત છે. આ સુરક્ષા સૌથી ઉંચી કેટેગરીની હોય છે. તેમાં તૈનાત કમાન્ડોની પાસે અત્યાધુનિક હથિયાર અને સંચાર ઉપકરણ હોય છે.

પહેલા આ સુરક્ષા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને પણ મળતી હતી પરંતુ હવે આઈબીની રિપોર્ટની સમીક્ષા બાદ તેમના પર જોખમનું સ્તર જોતાં તેમની આ સુરક્ષા પાછી લેવાઈ છે.

Z+ સિક્યોરિટી

સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ની સુરક્ષા બાદ Z+ સિક્યોરિટી ભારતની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં સંબંધિત વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો હોય છે. તેમાંથી 10થી વધુ એનએસજી કમાન્ડોના સાથે દિલ્હી પોલીસ, આઈટીબીપી કે સીઆરપએફના કમાન્ડો અને રાજ્યના પોલીસકર્મી પણ શામેલ હોય છે.

દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને હથિયાર વગર યુદ્ધ કરવાની કલામાં માહેર હોય છે. સુરક્ષામાં લાગેલા એનએસજી કામાન્ડો પાસે એમપી5 મશીનગન સાથે આધુનિક સંચાર ઉપકરણ પણ હોય છે. તે ઉપરાંત કાફલામાં એક જામર ગાડી પણ હોય છે જે મોબાઈલ સિગ્નલ જામ કરી દેવાનું કામ કરે છે. દેશમાં કેટલાક લોકોને જ આ પ્રકારની સુરક્ષા પ્રાપ્ત છે. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાસે આ કેટેગરીની સુરક્ષા હતી.

Z સિક્યોરિટી

Z સિક્યોરિટી શ્રેણીની સુરક્ષામાં ચારથી પાંચ એનએસજી કમાન્ડો સહિત કુલ 22 સુરક્ષાગાર્ડ તૈનાત હોય છે. જેમાં દિલ્હી પોલીસ, આઈટીબીપી કે સીઆરપીએફના કમાન્ડો તથા સ્થાનીક પોલીસ કર્મચારી પણ શામેલ હોય છે.

Y સિક્યોરિટી

આ સુરક્ષાની ત્રીજી શ્રેણીનું સ્તર છે. ઓછા જોખમ વાળા લોકોને આ સુરક્ષા આપવામાં આવે છે. જેમાં કુલ 11 સુરક્ષાકર્મીઓ હોય છે. જે પૈકીના બે પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) પણ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાન્ડો તૈનાત હોતા નથી. દેશમાં સૌથી વધુ લોકોને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

X સિક્યોરિટી

આ શ્રેણીમાં બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત હોય છે. જેમાં એક પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) હોય છે. દેશમાં ઘણા લોકો પાસે એક્સ કેટેગરીની સુરક્ષા હોય છે.

આપને આ અહેવાલ ગમ્યો હશે તેવી આશા છે. અમારું પેજ મેરાન્યૂઝ Mera News લાઈક કરો અને આવા જ રસપ્રદ જ્ઞાન સાથેના અહેવાલો વાંચો.