પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા DPS સ્કૂલના કેમ્પસમાં નિત્યાનંદના આશ્રમમાં રહેલા બાળકોને લઈ વિવાદ ઊભો થયો છે, આ સંસ્થામાં રહેલા બાળકો સાથે દુર વ્યવહાર થઈ રહ્યો હોવાની બાળકોના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી છે જ્યારે રાજય મહિલા અને બાળ વિકાસ નિગમ તેમજ શિક્ષણ વિભાગ ઉપર રાજય સરકારનું દબાણ આવતા હવે તેઓ પણ DPS સ્કૂલની આબરૂ બચાવવા માટે મેદાને પડયા છે. પરંતુ અહિયા સવાલ છે કે ખરેખર આશ્રમ સામે લાગી રહેલા આરોપ સાચા છે કે ખોટા તે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે, પરંતુ DPS સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફે પોતાની આસ્થા અને બાળકોના ભવીષ્યને અલગ અલગ રાખવાની જરૂર હતી જે તેમનાથી ચુક થઈ હોવાનું હાલમાં લાગી રહ્યુ છે.

નિત્યાનંદ બાબા ભકત એવા મંજુલા પુજા શ્રોફ છેલ્લાં કેટલાંક સમયથી પોતાની સાથી અમીતાભ શાહ સાથે આશ્રમની પ્રવૃત્તી અને બાબાના પ્રચાર માટે કામ કરી રહ્યા હતા, મંજુલા શ્રોફ અને અમીતાભ શાહને કયાં સાધુ સંત ઉપર વિશ્વાસ રાખવો તે અત્યંત વ્યકિતગત બાબત છે પરંતુ નિત્યાનંદ બાબાને કારણે  ત્રીજી આંખ વડે અંધ વ્યકિતને જોઈ શકે તેવા અવૈજ્ઞાનિક દાવાઓનો પણ પ્રચાર કરતા હતા અને આવા જ એક કાર્યક્રમને લઈ તેઓ અમદાવાદ સ્થિત અંધજન મંડળમાં ગયા હતા, જો કે અવૈજ્ઞાનિક દાવાઓમાં અંધજન મંડળના સંચાલકોને વિશ્વાસ નહીં બેસતા તેમણે નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તી અટકાવી પોતાના બાળકોને સમગ્ર પ્રવૃત્તીથી દુર કર્યા હતા, પરંતુ DPS ઈસ્ટ સ્કૂલના બાળકો જયાં આશ્રમ આવેલો છે તેમને  નિત્યાનંદ બાબાનું જ્ઞાન આપવામાં આવતુ હતું.

આ મામલે વિવાદ થતાં પોતાને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામની નજીક હોવાનો દાવો કરતા મંજુલા શ્રોફે આ મામલે સરકારની મદદ મેળવવા માટે પોતાની વગનો ઉપયોગ શરૂ કર્યો હતો જેમાં શિક્ષણ વિભાગ આ મામલે આકરૂ વલણ અખત્યાર કરે નહીં તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની જાતને દુર રાખી શિક્ષણ વિભાગને પોતાનું કામ પ્રમાણિકપણે કરવા દેવુ જોઈએ નહીંતર નિત્યાનંદના વિવાદના છાંટા ભુપેન્દ્રસિંહને પણ નુકશાન કરી શકે છે. આ મામલે પહેલા આકરૂ વલણ અખત્યાર કરનાર બાળ વિકાસ નિગમના ચેરમેન જાગૃતી પંડયાએ અચાનક પલટી મારી આશ્રમમાં રહેલી  યુવતી સગીર નથી તેવુ કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ કાઢી લેવાનો પ્રયાસ કર્યો હતો આમ આ મામલે પાછલા બારણે DPSના સંચાલકોને સરકાર મદદ કરી રહી હોવાનું લાગી રહ્યુ છે.