પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ડીપીએસ સ્કૂલમાં નિત્યાનંદ આશ્રમ શરૂ કરવાના વિવાદ પહેલાથી હાથીજણની સ્કૂલ વિવાદમાં હતી. ડીપીએસ ઈસ્ટ સ્કૂલ શરૂ કરવા માટે જમીનને બીનખેતી લાયક બનાવવા સહિત અનેક બાબતો ગેરકાયદે હતી અને બાંધકામ પણ ગેરકાયદે ઊભુ કરવામાં આવ્યું હતું, આ બધી બાબત ડીપીએસ ઈસ્ટના પ્રિન્સીપાલ હિતેશ પુરી સારી રીતે જાણતા હતા. આમ છતાં તેમણે સીઈઓ મંજુલા શ્રોફના તમામ ખોટા કામને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આમ જેમનું  કામ શિક્ષણ આપવાનું છે તેવા પ્રિન્સીપાલ હિતેશ પુરી એક નાનકડી નોકરી માટે જુઠનો સાથ આપતા રહ્યા હતા. હવે  સ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે હિતેશ પુરી મંજુલા શ્રોફના ખોટા કામની કિંમત પોતે ભોગ આપીને ચુકવવી પડશે.

નિત્યાનંદ આશ્રમના વિવાદ પહેલા પણ ડીપીએસ સ્કૂલ ગેરકાયદે છે તેવી વિવિધ સ્તરે ફરિયાદો થઈ હતી, પરંતુ મંજુલા શ્રોફનો મંત્રી અને સનદી અધિકારીઓ સાથે ઘરોબો હોવાને કારણે ખેતીની જમીન ઉપર ઊભી થયેલી સ્કૂલ અને ગેરકાયદે બાંધકામ સામે જોવાની તંત્રએ હિંમત કરી નહીં, અને તેના કારણે હિતેશ પુરી પણ માનવા લાગ્યા કે કઈ પણ ખોટું થાય મેડમની વગ તેમને મદદ કરશે, નિત્યાનંદ બાબાના વિવાદ પછી જ્યારે માધ્યમો પાસે શાળા ગેરકાયદે હોવાની વાત આવી ત્યારે અમે ડીપીએસના ઓફિસર ઓન સ્પેશીયલ ડ્યૂટી ઉન્મેશ દિક્ષીતનો સંપર્ક કરી ખરાઈ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે થોડાક સમય પછી ઉન્મેશ દિક્ષીત દ્વારા હિતેશ પુરીને ટાંકીને લેખિત  નિવેદન આપવામાં આવ્યું કે શાળાએ તમામ નિયમો પ્રમાણે કામ કર્યું છે ખાસ કરી ખેતીની જમીનને બિનખેતી પણ કરાવી છે. (આ  નિવેદન હજી પણ અમારી પાસે છે મંજુલા શ્રોફ અને હિતેશ પુરીને જોઈએ તો આપી શકીએ તેમ છીએ)  આમ હિતેશ પુરી હળાહળ જુઠ્ઠું બોલ્યા હતા.

પરંતુ શિક્ષણ સચિવ વિનોદ રાવ જ્યારે આ પદાર્ફાશ કર્યો કે ડીપીએસ સ્કૂલે જમીનની એનએ કરાવી નથી તેમજ નિયમ બહાર અનેક કામો કરેલા છે. ડીપીએસ સ્કૂલના સ્ટાફને આધાત તો ત્યારે લાગ્યે કે મંજુલા શ્રોફ દાવો કરતા હતા કે તેમને શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથે સારા સંબંધો છે ત્યારે વિનોદ રાવે એક સરકારી અમલદારને કરવું જોઈએ તેવું કામ કરતા શ્રોફના તકલાદી દાવાઓ પત્તાની મહેલની જેમ તૂટી પડયા હતા, જો કે હજી પણ મંજુલા શ્રોફ પોતાને ઘટનામાંથી બહાર કાઢી લેશે પરંતુ હોદ્દાની રૂએ હિતેશ પુરી અને તેમના જેવા ડીપીએસના અધિકારીઓએ કાગળ ઉપર સહીઓ કરી છે તેનો જવાબ તો તેમને જ આપવો પડશે.