ઉર્વીશ કોઠારી (મેરાન્યૂઝ.અમદાવાદ): અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે ‘બે મહાન લોકશાહીના મિલન’થી માંડીને ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વોના મિલન’ જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ (બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે. (નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.)

પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને તેના માળખામાં રહીને કેટલી હદે તોડીફોડી શકાય તેનો નમૂનો જેમ ટ્રમ્પે પૂરો પાડ્યો છે, એવી જ રીતે સંસદીય લોકશાહીના માળખામાં રહીને લોકશાહીના અર્ક અને મિજાજને કઈ હદે રફેદફે કરી શકાય છે તેનો દાખલો બીજી મુદતમાં નરેન્દ્ર મોદીએ પૂરો પાડ્યો છે. એ દૃષ્ટિએ બન્ને ‘પ્રતિભાશાળી વ્યક્તિત્વો’ ગણાય એની ના નહીં. તેમની વચ્ચેની દોસ્તીને હોર્ડિંગમાં ઘણું પ્રાધાન્ય અપવામાં આવ્યું અને ટ્રમ્પ પણ તેમના ‘ગ્રેટ ફ્રેન્ડ મોદી’નાં વખાણ કરતા રહ્યા. તે એટલી હદે કે ગાંધીજીના આશ્રમની વિઝિટર્સ બુકમાં પણ ટ્રમ્પે ગાંધીજી વિશે કશું લખવાને બદલે ‘ફ્રેન્ડ’ને જ અંજલિ આપી.

આશ્રમમાં ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રમુખને ગાંધીજીના પ્રિય એવા ત્રણ વાંદરાના રમકડાની પ્રતિકૃતિ ભેટ આપી. ત્યારે બંનેએ આંખોઆંખોંમેં એકબીજા સાથે શી વાત કરી હશે? કલ્પના તો એવી જ આવે કે ‘લિન્ચિંગ વખતે બોલવાનું નહીં, નક્કર ટીકાઓ સાંભળવાની નહીં અને શાહીનબાગ જેવાં વિરોધ પ્રદર્શનો જોવાનાં નહીં.’ ટ્રમ્પની મુલાકાત પછી આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખેલી ગાંધીજીના ઉલ્લેખ વગરની બે લીટી તથા તેમની સહી ચર્ચામાં રહ્યાં, તો મુલાકાત પહેલાં ગરીબ ઝુંપડાવાસીઓને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલનો મુદ્દો, બંને પ્રતિભાઓને પ્રિય એવા સોશ્યલ મિડીયા પર ગરમાગરમ ચર્ચામાં રહ્યો અને ઘણાં કાર્ટૂનોમાં સ્થાન પામ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી ચોખવટ કરવામાં આવી કે આ દીવાલ અમસ્તી પણ બાંધવાની જ હતી. પરંતુ એ ખુલાસા ખાતરનો ખુલાસો હતો, જેને લોકો પોતાના હિસાબે ને જોખમે જ માની શકે. એવું જ સ્ટેડિયમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડવાળ કરવાના અને નાગરિક અભિવાદન સમિતિ રચવાના નિર્ણય તથા તેના ખુલાસા વિશે પણ કહી શકાય.

ટ્રમ્પની મુલાકાત નિમિત્તે થયેલી ભપકાબાજીને વાજબી ઠરાવવા માટે આખા તમાશાને રાબેતા મુજબ ‘માસ્ટર સ્ટ્રોક’ ગણાવવામાં આવ્યો. ટ્રમ્પના ભાષણમાં ઓડિયન્સ તરીકે એકથી સવા લાખ માણસને એકઠાં કરવામાં આવ્યાં (જેમાંથી ઠીક ઠીક સંખ્યામાં લોકોએ ટ્રમ્પના પ્રવચનમાં અધવચ્ચેથી ચાલતી પકડી હોવાના અહેવાલ છે). તેનાથી ટ્રમ્પ-મોદી દોસ્તી જ નહીં, ભારત-અમેરિકા દોસ્તીમાં નવો અધ્યાય ઉમેરાયો હોવાનાં વિશ્લેષણ થયાં. જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનનું સમીકરણ સારું હોય, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતને ચોક્કસ ફાયદો થાય. પણ આવા સંબંધોને મૈત્રી તરીકે દર્શાવવા અને ભેટાભેટી કરીને એવી મૈત્રીની જાહેર પહોંચો દેખાડવી—એમાં નક્કરતા ઓછી ને જોણું વધારે હોય છે. કેમ કે, બે નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સમીકરણો મહત્ત્વનાં હોવા છતાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં છેવટે આવી કથિત દોસ્તી નહીં, પણ વ્યક્તિગત કે દેશનું કે બંનેનું હિત જ સૌથી મહત્ત્વનાં હોય છે. ગાલાવેલા થઈને ઉભરાઈ જઈને, બધી વખતે કથિત દોસ્તીનું કે સંબંધોની નિકટતાનું પ્રદર્શન કરવાથી નક્કર ઉપલબ્ધિ થાય એ જરુરી નથી અને નક્કર ઉપલબ્ધિ માટે આવું કરવું પડે એ પણ જરૂરી નથી.

ટ્રમ્પે પાકિસ્તાન વિશે નકારાત્મક ટીપ્પણી કરી, તે સ્ટેડિયમમાં બેઠેલે સરકારી ઓડિયન્સે વધાવી લીધી ને પાકિસ્તાન વિશેની તેમની સકારાત્મક વાત પાકિસ્તાની મિડીયાએ માથે મૂકીને નાચવાનું શરૂ કર્યું. આ બંને પ્રતિક્રિયા આપનારાં જૂથો એક વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે ટ્રમ્પ માટે ભારત કે પાકિસ્તાન કરતાં ઘરઆંગણે પોતાની સત્તા ને પોતાનો સ્વાર્થ વધારે મહત્ત્વનાં છે. એવી જ રીતે, ભારતના વડાપ્રધાનને ‘હાઉડી’ (કેમ છો?) કહેવા માટે હ્યુસ્ટન નજીક લાગે છે અને શાહીનબાગ દૂર. આ બંને નેતાઓ ભારતની લોકશાહીના પાયામાં રહેલી, તેની તાકાત જેવી સર્વસમાવેશકતા અને વૈવિધ્યને ભાષણોમાં અંજલિઓ આપે છે, પણ શાસક તરીકે તેમનો વ્યવહાર સાવ સામા છેડાનો રહ્યો છે. બંને પોતપોતાના દેશમાં ધીક્કાર, ઝેર અને જૂઠાણાં ફેલાવતાં પ્રચારયંત્રોના પ્રેરક કે પ્રેરણાસ્રોત ગણાય છે. સોશિયલ મિડીયાનો અવિરત ઉપયોગ બંનેની ખાસિયત છે. લોકશાહીના હાર્દના પાયામાં ઘા કરતા નિર્ણયો લેવાની હરીફાઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે થાય તો તેમાં ટ્રમ્પ જીતી જાય, પણ મોદી તેમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અને હા, ટ્રમ્પ પાસે અમિત શાહ નથી.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની બિનસત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાને દિલ્હી ચૂંટણીની પ્રચારરેલીમાં કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનનું નામ વિજય રુપાણી છે--કદાચ નામ યાદ ન હોય તો. કારણ શું કે ટ્રમ્પ-મોદી હોર્ડિંગબાજીમાં યજમાન રાજ્યના મુખ્ય મંત્રીનું ક્યાંય નામોનિશાન ન હતું. (અગાઉ ચીનના વડા શી જિનપિંગ આવ્યા ત્યારે નહેરુ બ્રિજના છેડે લાગેલાં તોતિંગ હોર્ડિંગોથી માંડીને ઠેકઠેકાણે જિનપિંગ અને મોદી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્થાન મળ્યું હતું.) અમદાવાદમાં વિદેશી વડાઓ આવે તેનાથી ઘણા ગુજરાતીઓને ગૌરવ થાય છે, તો ઘણા બિનગુજરાતીઓને લાગે છે કે ભૂવો ધૂણીને નારિયેળ ઘર ભણી ફેંકે છે. આ બંને લાગણીઓ અસ્થાને છે. સરકારી તંત્રમાં કામ કરતા માણસોથી માંડીને એરપોર્ટ પર સલવાઈ ગયેલા મુસાફરો સુધીના લોકોને પૂછી જોજો. સરકારી તંત્રમાં કલેક્ટર કે મામલતદાર નહીં, તેથી પણ નીચલા સ્તરે ટ્રમ્પના સ્વાગત માટે કેટલા લોકો લાવવાની ને તેમના આખા દિવસ માટે સાચવવાની કેટલી તૈયારી કરાઈ હતી અને તેના માટેનાં નાણાંનો વહીવટ દરેક નીચલા હોદ્દેદારે કેવી રીતે પોતાની જાતે કરી લેવાનો હતો, તેની પણ કથાઓ સાંભળવા મળશે.

આખા તમાશાને બંને દેશો વચ્ચેના સંબંધની મજબૂતીની દૃષ્ટિએ વાજબી ઠરાવવા ઉત્સુક લોકોને જણાવવાનું કે બે દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાના બીજા સન્માનજનક રસ્તા પણ હોય જ છે. તેના માટે લોકોને અપાર અગવડ પડે અને જેમાં જાહેર નાણાંનો અઢળક ધુમાડો થાય એવા અન્યોન્યઆત્મરતિમાં ડૂબેલા ચીતરીચઢાઉ તમાશા યોજવાનું ફરજિયાત નથી હોતું. આ વાત સમજવી હોય તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં પણ દેશનો ઈતિહાસ હતો એટલું સ્વીકારવું પડે અને તેનો ઉપરછલ્લો પણ અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડે.