ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ગત સપ્તાહે એવી તો શું ઘટના બની કે શુક્રવારે એકજ દિવસમાં ૨.૬૦ ટકાનું ગાબડું પડ્યું અને ચાંદીના ભાવ ૨૬.૫૪ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ગ્રીનમાંથી રેડ જોનમાં જઈ ૨૫.૫૪ ડોલર થયા? અમેરિકા અને ચીન વચ્ચે વધતો ગજગ્રાહ, વધતાં કાચામાલના ભાવ, અને ચીનની મોટીમોટી ટેકનો કંપનીઓ પર દરોડા, આ બધા વચ્ચે સાપ્તાહિક ધોરણે પણ ચાંદી ૧.૪ ટકા ઘટી હતી. અમેરિકન ડોલર અને તેના બોન્ડ યીલ્ડમાં થતાં ફેરફાર આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવ પર વ્યાપક અસર ઊભી કરશે.

ગત સપ્તાહના આરંભે અમેરિકન ફેડ ચેરમેન પોવેલે ચકલાને ચણ જેવી નીતિની જાહેરાત કરી હતી. આવાજ સંકેતો યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ જપાન તરફથી આવ્યા. ટૂંક સમયમાં આપણને ખબર પડી જવાની છે કે ક્વાંટીટેટીવ ઈજિંગ (રાહત પેકેજ) અને ફુગાવાના સમાચાર એ સોનાચાંદીના ચાલકબળ નથી રહેવાના. ચાંદીમાં તો એવી વધઘટ જોવાશે, જે આપણી કલ્પના બહાર હશે. છેલ્લા ચાર સપ્તાહથી ચાંદી, સોનાની તેજી ચૂકી ગઈ છે અને ૨૫.૬૦થી ૨૬.૪૦ ડોલર વચ્ચે આટાફેરા કરે છે. 

Advertisement


 

 

 

 

 

ચાંદી વાયદામાં ભાવ ઘટવાનું કારણ, ભારતની ચાંદી આયાતમાં ઘટાડો અને શેરબજારમાં સંકળાઈ ગયેલી વધઘટ છે. મે ૨૦૨૧માં ચાંદીની આયાત ગતવર્ષના સમાન મહિનાથી ૯૧ ટકા ઘટીને રૂ. ૮૭ કરોડની થઈ હતી. એપ્રિલ અને મે સાથે ગણીએ તો પણ આયાત ૯૩ ટકા ઘટી હતી. ચાંદીમાં ત્રણ સપ્તાહનું તળિયું જોયા પછી તો ભાવ ઘટવા ઉતાવળા થયા હતા.

ભાવ કોઈ પણ દિશામાં જાય, પણ બજારના આંતરપ્રવાહ કહે છે કે ઘટના નક્કર અને દિશાસૂચક હશે. તેજી અને મંદિવાળા બંનેએ છેલ્લા કેટલાંક સપ્તાહથી બજાર પર પકડ જમાવવાના પ્રયાસ જારી રાખ્યા છે. બંને તરફના સટ્ટોડિયા બજાર બંધ થવા અગાઉ જ પોતાના સોદા પાછા ખેંચી લે, તેવી ઘટના વારંવાર બની છે. 

હાજર સોનાચાંદીના ભાવનો રેશિયો ૧:૬૯.૬૬ થયો છે, આનો અર્થ એ થાય કે સોનાએ ચાંદીને વધુ જાંખી પાડી દીધી છે. જૂનના અંતિમ તબક્કાથી સોનાના ભાવ દરેક ટ્રેડિંગ સત્રમાં વધીને આવે છે અને શુક્રવારે તો ઇન્ટ્રાડેમાં ૧૮૩૨ ડોલરની ઊંચાઈએ પહોંચ્યા હતા. ચાંદીના ભાવ શુક્રવારે આરંભમાં સ્થિર હતા, પણ આખરે નકારાત્મક જોનમાં જતાં રહ્યા હતા. શુક્રવારે ચાંદી વેગથી ઘટીને સપોર્ટ લાઇન તોડી નાખી હતી, હવે તે ૨૫.૫૫ ડોલરની સ્પોર્ટ લાઇન તોડવા પ્રયાસ કરશે. જો આ સ્પોર્ટ લેવલ તૂટી જશે તો ૩૦ માર્ચની બોટમ ૨૪.૨૦ ડોલરને ચકાસવા આગળ વધશે.

Advertisement


 

 

 

 

 

જો તેજીવાળા ભાવને ઉપર ખેંચવા માંગતા હશે તો, ભાવને ૨૬.૬૦થી ૨૬.૬૫ ડોલરની રેન્જમાં રાખવા પડશે. શક્ય છે કે અમેરિકન ડોલર સોનાને માર્ગદર્શન આપે ત્યાં સુધી, ચાંદી બે તરફી વધઘટે અથડાયા કરશે, આ ઘટના પણ ચાંદીના ભાવને અસર કરશે. પાંચ સપ્તાહ પહેલા પણ આવીજ એક જબ્બર વેચવાલીની ઘટના બની હતી, ત્યારથી જ એવા સંકેત મળવા લાગ્યા હતા કે ચાંદીમાં કઈક ગંભીર રીતે નકારાત્મક કે ખોટું થઈ રહ્યું છે. 

બીજી તરફ, જો ગતસપ્તાહની ઊંચી સપાટી વટાવાઈ જશે તો, શક્ય છે કે ચાંદી ૨૮ ડોલરની મુસાફરીનો આરંભ કરે. પણ સામાન્ય માન્યતા તો એવી છે કે જો ખાસ કરીને અમેરિકન ડોલર સતત મજબૂતાઈ જાળવશે તો આ બજાર ઉપર જવાને બદલે નીચે જવાનું દબાણ વધુ અનુભવે છે. ટ્રેડરોએ વર્તમાન આર્થિક ઘટનાઓ પર નજર રાખવાની રહેશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)