ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સંપૂર્ણ ન્યુ ફાઈનાન્સિયલ ઓર્ડર (નવું જોખમ સંચાલન) તરીકે જાગતિક કરન્સી બાસ્કેટ, ચાઈનીસ યુઆન કે સ્વીસ ફ્રાંક જેવી કોઈ પણ કરન્સી, વૈશ્વિક રિઝર્વ કરન્સી ડોલરનું સ્થાન, ટૂંકાગાળામાં ખૂંચવી લેશે, એવું માની લેવું અત્યારે જરૂરી નથી. અલબત્ત, મહત્તમ જાગતિક વેપાર-વણજની લેતીદેતીમાં અમેરિકન કરન્સીની ઈજારાશાહી સ્થાન જરૂર ડગમગી ગયું છે. ક્રુડ ઓઈલ અને અન્ય તમામ કોમોડીટીનાં ભાવો લાંબો સમય ડોલરમાં જ બોલાતા રહેશે.

સતત નબળા પડી રહેલા ડોલર સામે ખાસ કરીને જાગિક રોકાણકારોમાં વ્યાપ્ત કરન્સી જોખમ એ આ વર્ષનું અત્યાર સુધી મહત્વનું નાણાકીય રીસ્ક બની રહ્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો યુરોપીયન રોકાણકારો માટે અમેરિકન ડોલરમાં કરેલો વેપાર ૨૦૨૦ના પ્રથમ ૮ મહિના સુધી, પાંચ ટકા જેટલો નફાકારક પુરવાર થયો હતો. જો આને બીજી રીતે સમજવું હોય તો કહી શકાય કે છેલ્લા બે મહિનાથી ડોલર વેગથી નબળો પડી રહ્યો છે, તે ગાળામાં જેમણે યુરો ટર્મમાં વેપાર કર્યો હશે, તેમને માત્ર અડધો ટકો જ વળતર પ્રાપ્ત થયું હશે.

ભારત અને બ્રાઝીલ જેવા દેશોની કરન્સી મજબુત થઇ હોવાથી તેની નિકાસને વધુ ફટકો પડશે. વાસ્તવિકતા તો એ છે કે ઘણા જાગતિક રોકાણકારો તેમના પોર્ટફોલિયોને વિકસિત અર્થતંત્રો તરફ પુન:ગઠિત કરવા લાગ્યા છે, ખાસ કરીને યુરોપીયન દેશો સાથે. સર્વાંગી રીતે જોઈએ તો આપણે હજુ નબળા ડોલર બાબતે બહુ ચિંતા કરવા જેવું નથી.

તમને ખયાલ નહિ હોય, જો વર્તમાન નબળાઈને ગણતરીમાં લેવામાં આવે તો પણ, ૨૦૧૦ અને ૨૦૨૦ દરમિયાન યુરો સામે ડોલર ૧૭ ટકા મજબુત થયો છે. સર્વાંગી રીતે જોઈએ તો પણ ભવિષ્યમાં પણ ડોલર, વર્લ્ડ રિઝર્વ કરન્સી તરીકેનું પોતાનું સ્થાન ગુમાવે તેવા ચિન્હો જણાતા નથી. સોનાના ભાવનું વલણ જોઈએ તો પણ આમ કહી શકાય. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવ ૩૦ ટકા વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં ૮૦ ટકાની વૃદ્ધિ થઇ છે, વાર્ષિક ધોરણે ૧૨ ટકા થયા. એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ સાથે સરખાવીએ તો આગાળામાં ૧૦ ટકા વળતર મળે છે, વાર્ષિક ધોરણે માત્ર પાંચ ટકા વળતર મળ્યું ગણાય.

૨૦૨૦એ ડોલર માટે વાવાઝોડા સમાન રહ્યું છે. મહામારીએ ડોલરને સૌથી વધુ નુકશાન કર્યું છે. અર્થતંત્રને એકાએક લાગેલી બ્રેકને લીધે ઉત્પાદન અને વપરાશમાં ગાબાડા પડ્યા, આખી સપ્લાય ચેઈનને ખોરવી નાખી અને વિશ્વભરના કોમોડીટી ભાવોને અસર પણ કરી. જાગતિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિના ઇન્ડીકેટર તરીકે જોવાતા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાન્યુઆરીથી મે સુધીમાં ૬ ટકા ઘટ્યો હતો.

આનો અર્થ એવો પણ થાય કે સંખ્યાબંધ કોમોડીટીના ભાવો ઘટ્યા હતા, તેનો પડઘો કોમોડીટી રીસર્ચ બ્યુરો (સીઆરબી) ઇન્ડેક્સમાં પણ જોવાયો હતો. વર્લ્ડ બેંક એવું માને છે કે ૨૦૧૯ની ક્રુડ ઓઈલની માંગ દૈનિક ૧૦૦૦ લાખ બેરલ સામે ૨૦૨૦માં અસામાન્ય કહી શકાય તેવો દૈનિક ૯૩ લાખ બેરલનો ઘટાડો નોંધાશે. ક્રુડ ઓઈલ અને અન્ય કોમોડીટીના ભાવ ડોલરમાં બોલાતા, ઘટેલા ભાવાને કારણે ડોલરની માંગ પણ ઘટી ગઈ છે.

ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)નો અંદાજ છે કે આ વર્ષે અમેરિકન અર્થતંત્રમાં ૭.૩ ટકાનું અને જો કોરોના મહામારી બીજા તબક્કામાં દાખલ થશે તો ૮.૫ ટકાની પીછેહઠ જોવાશે. ડોલરને છેલ્લો ઘા અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં પડશે. નબળો ડોલર આયાતને મોંઘી બનાવશે અને તેની અસર અમેરિકન અર્થતંત્રમાં જોવાશે.

(અસ્વીકાર સુચના: commodity DNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)