રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકસાહિત્યનો ડાયરો લોકોનું ઘડતર કરી શકે છે. હાસ્યનો ડાયરો શ્રોતાઓને ચિંતામુક્ત કરી શકે છે. સૌરાષ્ટ્રમાં ડાયરાનું ચલણ વધુ છે. સૌરાષ્ટ્રવાસીઓ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, અમેરિકા જઈને વસ્યા છે; તેમને પણ ડાયરા સાંભળવાનું વ્યસન હોય છે. ભિખુદાન ગઢવી, શાહબુદ્દિન રાઠોડના ડાયરામાં એક સ્તર જળવાતું હતું; પરંતુ એ પછી ડાયરાના કલાકારો ડાયરામાં તાળીઓ ઉઘરાવવા માટે અભિમાનને સંતોષે તેવી વાતો કહેવા લાગ્યા. ડાયરાઓમાં સંકુચિતતાના ઓવર ડોઝના કારણે શ્રોતાઓના મગજમાં પ્રદૂષણ ફેલાતું જાય છે. કેટલાંકને ડાયરાનું વ્યસન હોય છે; ડાયરાનો અફીણી નશો હોય છે ! આપણે વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે જાગૃત ન થઈએ એટલા માટે કલાકારો અફીણી મનોરંજન પીરસે છે !

ઉદાહરણ તરીકે ડાયરાના આયોજક પટેલ સમાજ હોય તો કલાકાર અચૂક બોલશે કે નહેરુએ સરદારને અન્યાય કર્યો હતો ! આયોજક ક્ષત્રિય સમાજ હોય તો લોકશાહી વહિવટ કરતા રજવાડાનો વહિવટ કેટલો ઉત્તમ હતો તેના દ્રષ્ટાંતો આપશે ! આયોજક દલિત સમાજ હશે તો આંબેડકર વિશે એવું બોલશે કે શ્રોતાઓને એવું લાગે કે આ કલાકારને સાંભળ્યા ન હોત તો જનમ નકામો ગયો હોત ! કલાકારો, IT Cellની ઝેરીલી પોસ્ટમાં મીઠુંમરચું ભભરાવીને શ્રોતાઓને ગેરમાર્ગે દોરે છે. ડાયરાના કલાકારો પાસે વાક્યચાતુર્ય હોય છે; પરંતુ તેમને અભ્યાસની, વાંચવાની ટેવ હોતી નથી; તેના કારણે વાતોમાં ઝાઝો મસાલો નાખવામાં આવે છે. વાક્યના અંતે ‘સાહેબ’ અચૂક સાંભળવા મળે ! ડાયરો એટલે વાહ વાહ કરીને શ્રોતાઓમાં હવા જ ભરવાની ! કલાકાર ખુમારી, વીરતા, ઈમાનદારીની વાતો કરશે; પણ ડાયરામાં પૈસા ઉડાડનારે ગામના બુચ માર્યા હોય; તેની જાણકારી હોવા છતાં એ અંગે ચૂપ રહેશે !

ડાયરામાં જેટલી વધુ તાળિઓ પડે; જેટલો વધુ પૈસાનો વરસાદ વરસે; એટલો કલાકાર ઊંચો ગણાય છે. આ માટે કલાકારો પ્રમાણભાન જાળવ્યા વિના ખોટી અને વિકૃત રજૂઆતો કરી શ્રોતાઓને ડોલાવે છે. પરિણામે લોકોના માનસમાં ખોટા ખ્યાલો ભમવા લાગે છે. તમારામાં કોઈ કોમ પ્રત્યે ધિક્કારની ભાવના રોપાઈ જાય છે; એનો તમને ખ્યાલ રહેતો નથી. ડાયરામાં સંસ્કૃતિની ભવ્ય વાતો થાય છે; પણ એ સામંતવાદી સંસ્કૃતિના ખોટા વખાણ કરવાનો કોઈ અર્થ ખરો? આપણે નવી પેઢીને શું શીખવવા માંગીએ છીએ? ડાયરાના કલાકારો ક્રાંતિવિર, રેશનલ, હ્યુમેનિસ્ટ ભગતસિંહની અચૂક વાત કરશે; પરંતુ પોતાના જમણા કાંડામાં લાલ, પીળા, કાળા દોરાનો જથ્થો બાંધેલો હોય છે ! આંગળીઓમાં ગ્રહોને રીઝવવા માટે નંગ જડિત વીંટીઓ ધારણ કરેલી હોય છે ! આવા કલાકારોએ ભગતસિંહના વિચારો વાંચ્યા હોતા નથી. એક કલાકારે એવું શુધ્ધ ગપ્પું માર્યું કે શાસ્ત્રીજીએ બાળ સરદારને આશીર્વાદ આપ્યા હતા એટલે સરદાર પટેલે ઐતિહાસિક કામ કર્યું ! કલાકારો દહીં દૂધમાં પગ રાખે છે; જરુરિયાત મુજબ વહાણ ચલાવે છે. ડાયરાના કલાકારો લોકશિક્ષણ આપતા નથી; લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રવિશકુમારે ટીવી નહી જોવાની અપીલ કરી છે; ટીવી ચેનલો લોકોને ભ્રમિત કરે છે. ડાયરો સાંભળવાથી નુકશાન થાય કે ફાયદો? ડાયરા સાંભળવાનું બંધ કરવાથી કોઈ નુકશાન નથી; ફાયદો ફાયદો જ છે !