રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકડાઉનના કારણે વતનમાં છું. હમણાંથી બાપાની [ઉંમર 93] તબિયત બરાબર રહેતી નથી; કબજિયાત/નબળાઈ છે. બાપા કહે : “એક વખત ડો. કળથિયા સાહેબ પાસે મને લઈ જાવ; એ દેવ જેવા છે, એમના દર્શન કરવાની ઈચ્છા છે !” 30 માર્ચ 2020. સવારે 9:40 વાગ્યે માલપરાથી નીકળી અમે ગઢડા ગયા. માલપરાથી ગઢડા 17 કિલોમીટર દૂર છે. લોકડાઉન હોવાથી રસ્તા સૂમસામ. વાહનની કોઈ અવરજવર નહીં. અમે ડો. જી.વી. કળથિયા સાહેબના દવાખાને પહોંચ્યા. 50 જેટલા દર્દીઓ ઊભા હતા. કોરોનાના કારણે ગઢડાના બીજા ડોક્ટર દવાખાના બંધ કરીને જતા રહ્યા છે; ત્યારે ડોક્ટર કળથિયા સાહેબે તમામ જ્ઞાતિ/જાતિ/ધર્મના દરદીઓ માટે વિના મૂલ્યે સારવાર ચાલુ રાખી છે! 

ડો. કળથિયા સાહેબની ઉંમર 72 વર્ષની છે; પરંતુ એમની સ્ફૂર્તિ જોતા એમની ઉંમર 42 વર્ષની લાગે. હસમુખો ચહેરો. કાયમ ઉત્સાહ છલકાતો હોય ! થાક નહીં, અણગમો નહીં, ગુસ્સો નહીં. પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણનું એક કાર્ટૂન અદભૂત હતું : એક ડોક્ટર એક દરદીની નાડી તપાસે છે; બીજા દરદીની જીભ તપાસે છે; ત્રીજા દરદીની છાતી તપાસે છે; બધું એક સાથે ! કેટલીક વખત ડો. કળથિયા સાહેબની સ્થિતિ આવી જ હોય છે ! દરદીની લાઈન લાંબી હોય; ઉતાવળ રાખવી જ પડે. ડોક્ટરના બે શબ્દો કાનમાં પડે એટલે દરદીને સારું પણ થઈ જાય ! બાપાને તપાસ્યા. કળથિયા સાહેબે કહ્યું : “ બાપાને કંઈ નથી, દવા આપું છું, સારું થઈ જશે !” બાપાના ચહેરા ઉપર તાજગી ફરી વળી ! કોલેજ પૂરી કર્યા બાદ હું GPSC ની તૈયારી કરતો હતો ત્યારે ડો. કળથિયા સાહેબે મને કહ્યું હતું : “પોલીસ સર્વિસમાં જવું જ જોઈએ !” કદાચ એમના આ શબ્દો મારા હૈયામાં કોતરાઈ ગયા અને હું નાયબ પોલીસ અધિક્ષક તરીકે સીલેક્ટ થયો અને IGP તરીકે નિવૃત પણ થયો. શબ્દોની જાદૂઈ અસર પડતી હોય છે !

માલપ્રેક્ટિસ કરીને ડોક્ટર્સ પૈસા કમાતા હોય; ગળાકાપ ફી લેવાતી હોય; વધારાની વિઝિટના જ્યાં ડબલ પૈસા લઇને દરદીને સારવાર અપાતી હોય; દરદી મરણ પામે છતાં સારવાર ચાલુ રાખી પૈસા જમા કરાવતા હોય; બિલ ચૂકવે પછી લાશ સોંપતા હોય; તેવા સમયે નજીવા દરે; દરદીને સારવાર આપતા ડૉ. કળથિયા સાહેબ જેવા સંવેદનશીલ ડૉક્ટરો કેટલાં ? રાત્રિના સમયે એમના નિવાસસ્થાને કોઈ પણ આવે; અમીર હોય કે ગરીબ; દલિત હોય કે મુસ્લિમ; ફી ન લે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા દરદીઓ આવે તો ફી લેવાની બાજુ પર ઉલટાની મદદ કરે; દવાના પૈસા પણ દરદી વતી ચૂકવે !

ગઢડાથી અમે પરત આવ્યા. રાત્રે બાપાએ દવા પીતા કહ્યું : “એ ડોક્ટર નથી; ભગવાન છે !”