પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હેડીંગ વાંચતા જ તેવુ લાગે કે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવામાં કયાં હિંમતની જરૂર છે, કદાચ તમે ફોન હાથમાં લઈ તરત ફોન સ્વીચ ઓફ પણ કરી દેશો, સવાલ હાથમાં રહેલો ફોન સ્વીચ ઓફ કરવા પુરતો સિમીત નથી, પણ સતત આપણને વ્યસ્ત રાખતા ફોન સાથે ડીટેચ થવાની વાત છે, મેં પણ જોયું છે અને તમે પણ નોંધ્યુ હશે કે, મિત્રો અને સંબંધી જ્યારે ભેગા થાય ત્યારે એકત્રીત થયેલા લોકોમાં બે ત્રણ વ્યકિતઓ સતત ફોનના સ્ક્રીનને સ્પર્શ કર્યા જ કરે છે. તેઓ જાણે, તેમના માટે એક એક મિનિટનો હિસાબ રાખી રહ્યા હોય અને તેમની ઉપર વિશેષ જવાબદારી હોય. તે રીતે ફોન સર્ફીંગ કર્યા કરે છે. જો તેમની ચુક  થઈ જાય તો પાકિસ્તાનનું પ્લેન બોમ્બ ફેંકી જતા રહેવાના હોય તેવું લાગે છે. ભેગા થયેલા મિત્રો તો મજાની વાત કરતા હોય કે, પછી કોઈ ગંભીર મુદ્દે ચર્ચા ચાલુ હોય પણ એકત્રીત થયેલા લોકોમાંથી કેટલાક લોકો શારિરીક રીતે બેઠકમાં હાજર હોવા છતાં હાથમાં ફોન લઈ ચર્ચા કરતા કરતા ફોનના સ્ક્રીન સામે જ જોઈ રહે છે.

આ એક બીમારી બનતી જાય છે જેનો ભોગ હું પોતે પણ બની ચુકયો છું, બે-ત્રણ કલાક સુધી કોઈનો ફોન આવે નહીં તો હાથમાં ફોન લઈ ચેક કરી લેતો ક્યાંક ફોન બગડી તો ગયો નથી, ફોનની બેટરી તો બરાબર છે વગેરે વગેરે અરે આપણને કોઈ ફોન ના કરે અને થોડાક કલાક ફોન અને આપણા મગજને શાંતિ મળે તો સારી વાત છે, ના પણ તેવું થતું નથી, કોઈનો ફોન ના આવે તો મન વ્યાકુળ થઈ જાય છે. જ્યારે સોસાયટીમાં કોઈ એકના જ ઘરે લેન્ડ લાઈન ફોન હતો ત્યારે ફોનનો માલિક આપણને બોલાવવા કે તમારો ફોન છે તો ફાળ પડતી હતી, મન બેચેન બની જતું હતું. નક્કી કોઈ ખોટા સમાચાર હશે તેવું લાગતું હતું.  તેવી જ રીતે ઘરેથી કામ ઉપર જવા  નિકળેલી વ્યકિતના ઘરમાં કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તરત બોલાવી શકાય તેવી કોઈ  વ્યવસ્થા  ન્હોતી, માઠા અને સારા સમાચાર ઘરે પાછા ફર્યા બાદ જ મળતા હતા, છતાં દુનિયા હમણાં કરતા વધુ સારી રીતે ચાલતી હતી.

છતાં મોબાઈલ ફોનનું આગમન થયા બાદ આપણી જીંદગી ડીસ્ટર્બ થઈ ગઈ છે. ફોને આપણો માનસીક કબજો લઈ લીધો છે.  ઘણી વખત મને ખુબ ઉંઘ આવતી હોય તો પણ હું ફોન સ્વીચ ઓફ કરતો નહીં મને મનમાં સતત ડર લાગતો કે ફોન સ્વીચ ઓફ કરીશ અને કોઈ ઈમજન્સી આવશે તો? પણ થોડા મહિના પહેલા હું લગભગ એક અઠવાડિયા સુધી બીમાર રહ્યો હતો, ફોન પકડવાની તાકાત પણ શરિરમાં ન્હોતી જેના કારણે મેં ફોન સ્વીચ ઓફ કર્યો અને એક અઠવાડિયા સુધી ફોન બંધ રહ્યો, જ્યારે હું સાજો થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મોબાઈલ ફોન વગર પણ જીંદગી સારી  રીતે જીવી શકાય છે. મને સમજાયું કે ફોન સ્વીચ ઓફ થાય તો પણ કઈ ખાટું મોળુ થતુ નથી, કારણ આપણે ડૉકટર- ફાયર ઓફિસર અને પોલીસ નથી જો આપણો સમયસર સંપર્ક થશે નહીં થાય તો મોટી ગરબડ થઈ જાય તેવું નથી, હું ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેવું કહેતો નથી, પણ ફોન સતત આપણને માનસીક વ્યસ્ત બનાવી રહ્યો છે. તે તરફ તમારૂ ધ્યાન દોરવા માંગુ છું.

મારા એક મિત્ર જીજ્ઞેશ પટેલે મને  બહુ એક સારો શબ્દ આપ્યો તેણે કહ્યું આપણે ડીઝીટલ થયા પણ આપણે ત્યાં ડીઝીટલ લીટરસીનો અભાવ છે. મેં જોયું કે કેટલાંક મિત્રો વોટસએપ ઉપર આવતા વીડિયો સતત જોયા કરે છે જાણે તેમને વળગણ થઈ ગયું હોય તેવું લાગે છે, વીડિયો જુવો તેનો પણ વાંધો નથી પણ  વોટસએપમાં આવતી તમામ ઘટનાને લોકો સાચી માને છે અને પોતાના મિત્રોને ફોરવર્ડ પણ કરે છે આમ સોશ્યલ મીડિયા આપણા નિર્ણયોને નિયંત્રીત કરતુ થઈ ગયું, કેટલાંક તો આખો દિવસ ફોન ઉપર વિશ્વના પ્રશ્નોની ચિંતા  કરતી ચેટ કર્યા જ કરે છે, મને તો ઘણી વખત લાગે છે આ ક્યારે જમતા હશે અને ક્યારે સુતા હશે તે તો જવા દો ધંધો પાણી છે કે નહીં તેવો પણ પ્રશ્ન થાય છે. મોડી રાત સુધી ફોનમાં ઘુસી જાય છે અને સવારે ઉઠતા ઓશીકા પાસે રહેલો ફોન જાણે પોતાનું બાળક હોય તેમ હાથમાં લઈ લે છે. આવી વ્યકિતને તમે કહો કે ફોન થોડાક કલાક દુર રાખો અથવા ફોન સ્વીચ ઓફ કરો જાણે તેમને કાશ્મીરનો અડધો ભાગ પાકિસ્તાનને આપવાની વાત કરી હોય એટલો ગંભીર લાગે છે.

મોબાઈલ ફોન વગર પણ જીંદગી જીવી શકાય છે તેવુ તેઓ ભુલી ગયા છે આપણે ત્યાં ફોનના કારણે બેડમેનર પણ વધી રહી છે જયારે આપણી સાથે કોઈ વાત કરે છે ત્યારે આપણે ફોન હાથમાં લઈ વોટસઅપ ચેક કરીએ છીએ, કોઈને ચેટનો જવાબ આપીએ, થોડીક ક્ષણ માટે ઉભા થઈ બાજુમાં જઈ વાત કરી લઈએ છીએ, મોટા ભાગે આ વ્યવહાર ટાળી શકાય તેવો હોય છે પણ આ આપણી એક આદત બની ગઈ છે  કે સામેની વ્યકિતનું અપમાન કહેવાય અથવા સામે રહેલી વ્યકિતને આપણે ગંભીરતાથી લઈ રહ્યા નથી તેવો અર્થ થાય તેવુ પણ આપણને સમજાતુ નથી, આવી જ રીતે અનેક બાજુની વ્યકિત ફોન ઉપર કઈક કામ કરી રહી હોય ત્યારે તેના ફોન સ્ક્રીનમાં ડોકયુ કરવાની ટેવ હોય છે. કોઈના ફોનમાં ડોકયુ કરવાનો સીધો અર્થ તમે તેની ઈચ્છા વિરૂધ્ધ તેની અંગત જીંદગીમાં પ્રવેશી રહ્યા છો.

ઠીક લાગે તો થોડો ફોનને દુર કરવાનો પ્રયત્ન કરી જુવો કદાચ તમારો ફોન પણ પોતાને આરામ આપવા માટે તમારો આભાર માનશે.