મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ દિવાળી પર્વમાં મોટા ભાગના તબીબો વેકેશન માણવા જતા હોય છે. બીજીબાજુ દિવાળી ટાણે કોરોના વાયરસના કેસમાં પાછો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. લોકો કોરોના વાયરસને ભૂલી ગયા હોય તેમ દિવાળીની ખરીદીથી માંડી તેની ઉજવણી સુધીમાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં શરદી-ખાંસીના કેસ પણ સતત વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણનો ભય પણ લોકો પર મંડરાઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચ દ્વારા જીલ્લા સહીત આજુબાજુના બીમાર લોકો માટે દિવાળીના પર્વમાં સારવાર માટે ભટકવું ન પડે તે માટે તબીબો અને હોસ્પિટલનું લીસ્ટ જાહેર કર્યું છે અને ૨૪ કલાક ઇમરજન્સી સારવાર પણ ઉપલબદ્ધ કરાવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

કોરોના વાયરસનું પ્રાથમિક લક્ષણોની વાત કરીએ તો, શરદી-ખાંસી કે તાવ છે, બીજી બાજુ ઠંડીના કારણે પણ લોકોમાં શરદી, ખાંસી અને શરીરનો દુ:ખાવો થવાની ફરિયાદો દર વર્ષે દિવાળી ટાણે લોકોમા. વધતી હોય છે. લોકો સ્વાભાવિક રીતે જ સૌપ્રથમ તેમના સ્થાનિક ડોક્ટર એટલે કે ફેમિલી ફીઝિશિયન પાસેથી દવા લે છે, પણ, દિવાળીથી ભાઈબીજ કે લાભપાંચમ સુધી તબીબો પરિવાર સાથે વેકેશન માણતા હોવાથી મોટાભાગના ડોક્ટર દિવાળી પર્વ પર હાજર મળતા નથી. જેથી દર્દીઓએ સારવાર માટે ભારે દોડધામ કરવી પડતી હોય છે.

ઇન્ડિયન મેડીકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચના પ્રમુખ દિવ્યાંગ પટેલે અને શહેરના નામાંકીત તબીબોએ જીલ્લાના પ્રજાજનો અને બીમાર દર્દીઓ માટે દિવાળી પર્વ પર સારવાર માટે તકલીફ ન પડે તેવા ઉમદા હેતુથી આગોતરું આયોજન કરી શહેરમાં દિવાળી પર્વમાં ખુલ્લી રહેલ હોસ્પિટલ અને તબીબનું લીસ્ટ જાહેર કર્યું છે. કોરોનાના કપરા સમયમાં તબીબો તેમની સેવાઓ ઉપલબદ્ધ રાખતા લોકોએ સરાહના કરી હતી.