મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): એવું કહેવાય છે કે તહેવારોમાં સારાં કર્મ અને દાન કરવાથી ઈશ્વર રાજી રહે છે. અને એવું સાંભળીને આપણે પણ તહેવાર-પ્રસંગે પૂણ્ય કમાઈ લેવા દાન કરતાં હોઈએ છીએ. પણ આપણી આસપાસમાં જ ઘણા લોકો એવા સારા કામ રોજ કરતાં હોય છે. અને ઘણી વાર એવું પણ બને કે એ કામને જ એમણે વ્યાવસાયિક રીતે પણ સ્વીકારી લીધું હોય. આવું જ કંઈક થઈ રહ્યું છે અમદાવાદમાં દિલ્હી દરવાજા ખાતે આવેલી મેન્ટલ હોસ્પિટલમાં.

આ હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે. અને જો જરૂર લાગે તો દર્દીને દાખલ પણ કરવામાં આવે છે.અહીંના તબીબો તબીબ તરીકેની તેમની ફરજ તો નિભાવે જ છે પણ એક માણસ તરીકે પણ તેઓ ફરજ ચૂકતા નથી.

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે દર્દીઓ લાંબી માનસિક બીમારી બાદ સજા સાજા થાય છે તેઓ માટે પહેલો ચિંતાનો વિષય રોજગાર હોય છે. અને આ હોસ્પિટલ તેઓને હુનર આપવાનું કામ કરે છે. કોડિયા, મીણબત્તી, પગલૂછણિયા, પેકિંગબોક્સ, રાખડી જેવી લગભગ ત્રીસેક વસ્તુઓ તેઓ આ દર્દીઓને બનાવતા શીખવે છે. અને કામ પણ આપે છે. જેથી દર્દીઓ પણ જાતે કમાય છે અને પગભર બને છે. નવાઈની વાત એ પણ છે કે, આ હોસ્પિટલની કેન્ટિનમાં અને સેલરૂમમાં પણ દર્દીઓ જ કામ કરે છે.

હોસ્પિટલનાં તબીબ ડૉ. દીપ્તિ ભટ્ટ જણાવે છે કે, અમારે ત્યાં સવારે ૯ થી ૫ આ વર્ક શોપ ચલાવવામાં આવે છે જેમાં ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરનાં લગભગ ૬૦ દર્દીઓ કામ કરે છે જેઓ અલગ અલગ માનસિક રોગથી પીડાય છે. મનોરોગી દર્દીને અપાતી અનેક થેરેપી પૈકીની આ એક થેરેપી છે જેને ઓક્યુપેશન થેરેપી અથવા વોકેશનલ રિહેબિલિટેશન કહેવામાં આવે છે. દર્દીની સારવાર દરમિયાન જ્યારે તે અમુક અંશે સાજો થવા લાગે ત્યારે સાયક્રિયાટિસ્ટ આ થેરેપી માટે દર્દીને રિફર કરે છે.

દીપ્તિ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપનો અમારો ઉદ્દેશ એ છે કે, દર્દી લાંબી બીમારીને કારણે પોતાની કામ કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ઘણાં વર્ષોથી કામ ન કરતાં હોઈ નોકરી ન કરી શકે અથવા નોકરી છૂટી જતી હોય છે. આથી તેઓની કામ કરવાની ક્ષમતા વધે એટલે અમે આ થેરેપી આપીએ છીએ. અને એમાંથી જે આવક થાય તેમાંથી દર્દીને મહેનતાણું ચૂકવવામાં આવે છે.

પેલું કહેવાય છે ને ઇરાદો નેક નેક હોય તો ઈશ્વર કોઈપણ રીતે મદદે આવે છે એ ન્યાયે ઘણી કંપનીઓ આ પ્રોડક્ટ ખરીદે છે અને કોર્પોરેટ ગિફ્ટ કે કર્મચારીને ભેટ તરીકે આપે છે. અમદાવાદ ઇન્કમટેક્સ ખાતે આવેલા નવજીવન ટ્રસ્ટનાં ખાદી વસ્ત્રભંડાર 'સ્વત્વ' ખાતે આવતા દરેક ગ્રાહકને દર્દી દ્વારા બનાવવામાં આવેલા કોડિયા તેમના જ દ્વારા બનાવાયેલા બોક્સમાં ભેટ આપવામાં આવે છે. અને લોકોના ઘર સુધી પ્રકાશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.