મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ બિટકોઇન ફેમ દિવ્યેશ દરજીનું વધુ એક કોઈન કૌભાંડ બહાર આવ્યું છે. દિવ્યેશે દેકાડો નામની કંપનીનો કોઈન લોંચ કરી લોભામણી સ્કિમ આપી હજારો લોકો પાસે તેમની કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ કંપનીની વેબસાઈટ અને ઓફિસ બંધ કરી દીધા હતા. હાલ સીઆઈડી ક્રાઈમે રૂ. ૪૮ લાખની ઠગાઈનો ગુનો દાખલ તપાસ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ દિવ્યેશ ધનસુખલાલ દરજી અને રણજિત સક્શેનાએ ૨૦૧૮માં દેકાડો નામની કંપની બનાવી તેનું વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવી પીપલોદ ઈન્ટરનેશનલ બિઝનેશ સેન્ટર ખાતે ઓફિસ શરૂ કરી હતી. તેમજ વેબસાઈટ બનાવી તેનો પ્રસાર ઓનલાઈન અને સોશિયલ મીડિયા મારફતે કરી ટૂંકાગાળામાં ઉંચુ વળતર આપવાની તથા કંપનીમાં રોકાણ કરનાર ગ્રાહકો બીજી કોઈ વ્યક્તિને એના થકી રોકાણ કરાવશે તો તેને પિરામિડ સીસ્ટમ મુજબ ઉંચુ કમિશન આપવાની જાહેરાતો કરી સમગ્ર વિશ્વમાં રોકાણકારો પાસેથી બિટકોઇન સ્વીકારી દેકાડો કોઈનનો આઈ.સી.ઓ લાવી દેકાડો કોઈન લોંચ કર્યો હતો.

લાખો કોઈન વેચાણ કરી કોઈનને લાગતા સ્ટેકિંગ, લેન્ડિંગ, માઈનિંગ તથા ટ્રેડિંગના પ્લોટફોર્મ બનાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ બિટકોઇન, દેકાડો કોઈન, ઈથીરીયમ મારફતે મેળવ્યા હતા. દિવ્યેશ અને રણજિતે કંપનીના વિદેશ અને ભારતમાં પ્રમોશન કાર્યક્ર્મો કર્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં રોકાણકારોએ કરેલા રોકાણ ઉપર ઍક માસમાં ૪૨ ટકા સુધીના વળતર તથા ૭ ટકાથી લઈને ૦.૫ ટકા સુધી અપલાઈન રેફરલ બોનસ, દર મહિને ૧૨ ટકા, ૬ મહિને ૭૨ ટકા વ્યાજ આપવાની, લેન્ડીગ પ્લેટફોર્મમાં રોકાણકારોને રોજના ૧ થી ૨ ટકા વ્યાજ અને લોકીંગ પિરિયડ પૂર્ણ થયા બાદ ૧૫ ટકા સુધી બોનસ કમિશનની જાહેરાત કરી હતી. આરોપીઓએ દેકાડો કોઈનનો લોંચ કર્યો ત્યારે તેનો ભાવ ૧ ડોલર રાખી ટુંકાગાળામાં ૧૫ ડોલર સુધી લઈ ગયા હતા. અને રોકાણકારોને રેગ્યુલર વ્યાજ આપ્યા બાદ વેબસાઈટ અને ઓફિસ બંધ કરી દેતા હજારો લોકોના કરોડો રૂપિયા ફસાયા હતા. બનાવ અંગે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરી ૪૮ લાખ ગુમાવનાર ગિરીશકુમાર ધનજી શેલડિયાનું નિવેદન લઈ તપાસનો દોર શરૂ કર્યો છે.