મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં ડૉકટરોની કાયમી તંગી હોય છે, મેડીકલનો અભ્યાસ પુરો કર્યા પછી સામાન્ય રીતે ડૉકટરો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવાનું પસંદ કરતા નથી. જેના કારણે સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ થતી જાય છે, બીજી તરફ નિવૃત્ત થતાં સરકારી ડૉકટરોની સામે નવા ડૉકટરો સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા નથી, આ સ્થિતિને પહોંચી વળલા કેન્દ્ર શાસીત દિવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસકે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

દિવ-દમણ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રુફલ પટેલે કેન્દ્ર શાસીત પ્રદેશમાં સરકારી ડૉકટરોની તંગી નિવારવા માટે સરકારી હોસ્પિટલના ડૉકટરોની નિવૃત્તી વય વધારી 65 વર્ષ કરી છે. અગાઉના નિયમ પ્રમાણે સરકારી ડૉકટરો 60 વર્ષની ઉમંરે નિવૃત્ત થઈ જતા હતા, એક તરફ 60 વર્ષ નિવૃત્તી વય હોવાને કારણે કેન્દ્ર શાસીત પ્રદેશના ડૉકટરો વયમયાર્દાને કારણે નિવૃત્ત થતાં હતા પણ એટલી સંખ્યામાં નવા ડૉકટરો સરકારી સેવામાં આવી રહ્યા ન્હોતા. જેનું પરિણામ સામાન્ય પ્રજાને ભોગવવું પડતુ હતું, મોટા ભાગે સારવાર માટે હોસ્પિટલમાં જતા દર્દીઓને  ડૉકટર મળતા જ ન્હોતા કારણે અનેક જગ્યાઓ ખાલી પડી રહી હતી.

પ્રશાસકના આદેશને કારણે ડૉકટરોની નિવૃત્તી વયમર્યાદા વધી ગઈ છે જેનો આનંદ ડૉકટરોને તો છે પણ પ્રજા પણ આ નિર્ણયથી ખુશ કારણ હવે તેમને હોસ્પિટલમાંથી સારવાર વગર પાછા ફરવુ પડશે નહીં.