પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.દમણ): આપણે ત્યાં કાયદાની કમી નથી, પણ કાયદાની અમલવારી કરાવનારા રાજનેતા અને વહીવટી તંત્ર કાયદાનો અમલ કેટલો યોગ્ય રીતે કોના માટે કરાવવા માગે છે તેની ઈચ્છાશક્તિ મહત્વની હોય છે. દીવ દમણ દાદરાનગર હવેલીના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલની રાજકીય ઈચ્છાશક્તિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશના ભંગાર અને ટ્રાન્સપોર્ટ માફિયા રસ્તા ઉપર આવી ગયા છે.

દેશમાં જ્યાં પણ ઔદ્યોગીકરણ થયું છે ત્યાં સ્થાનીક માફિયાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે, ઉદ્યોગપતિેઓ અને સામાન્ય વેપારીઓ આ જો માફિયાઓના શરણે ન જાય તો તેમને ધંધો કરવો પણ મુશ્કેલ બની જાય છે. આવી જ કાંઈક દીવ દમણ અને દાદરાનગર હવેલીના ઉદ્યોગપતિઓ અને વેપારીઓની સ્થિતિ હતી.

ફેક્ટરીમાંથી નીકળતો ભંગાર જ્યારે કોઈ ફેક્ટરી માલિક વેચવા માગે ત્યારે સ્થાનીક ભંગાર માફિયાઓ નક્કી કરે તે જ ભાવે ફેક્ટરી માલિકે ભંગાર વેચવો પડતો હતો. બહારનો કોઈ વેપારી ઊંચી કિંમત આપવા તૈયાર હોય તો પણ ફેક્ટરી માલિક અને ઊંચી કિંમત આપનાર વેપારીની હિંમત ન્હોતી કે તે માલ વેચી અને ખરીદી શકે. ભૂતકાળમાં આ પ્રકારની હિંમત કરનારા વેપારીઓની હત્યા અને માર મારવાના બનાવો પણ બન્યા હતા. આ જ રીતે ફેક્ટરીમાંથી નીકળતા કાચા અને પાકા માલના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ટ્રાન્સપોર્ટ માફિયાઓ સામેલ હોવાને કારણે ટ્રાન્સપોર્ટ માફિયાઓ નક્કી કરે તે જ ભાવે ટ્રાન્સપોર્ટેશન થતું હતું,.


 

 

 

 

ગુજરાતમાં આવું સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારમાં થઈ રહ્યું છે. સ્થાનિક નેતાઓ જે પૈકી હવેના કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ થઈ ગયા છે તેમણે આ ધંધામાં ઝંપલાવ્યું છે. દીવ દમણ દાદરાનગર હવેલીના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલે ભંગાર અને ટ્રાન્સપોર્ટ માફિયાઓને નાથવા માટે એક રસ્તો અપનાવ્યો અને તેમણે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરી.

જેના પરિણામ સ્વરૂપ કેન્દ્ર શાસિત પ્રદેશ નોડલ એજન્સી તરીકે કામ કરે અને ઉદ્યોગપતિઓ પોતાના ફેક્ટરીમાંથી નીકળતો સ્ક્રેપ ઓનલાઈન વેચવા માટે દરખાસ્ત રજૂ કરે દેશમાંથી કોઈપણ વેપારી તેનું બીડ કરી શકે જેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશના ઉદ્યોગપતિ કે વેપારીને યોગ્ય ભાવ મળે. ઓનલાઈન ભંગારનું વેચાણ શરૂ થતા છેલ્લા ત્રણ મહિનામાં દીવ દમણ દાદરાનગર હવેલીમાંથી ચાર હજાર ટન ભંગારનું વેચાણ થયું જેમાં સ્થાનિક ભંગાર માફિયાઓની સંપુર્ણ બાદબાકી થઈ, આજ રીતે ટ્રાન્સપોર્ટ માફિયાઓ જે રીતે પોતાની મનમાની કરતાં હતા તેમાં પણ ઓનલાઈન સિસ્ટમના કારણે ફેક્ટરી પોતાનો માલ અને માલ મોકલવાનું સ્થળની વિગતો ઓનલાઈન મુક્યા પછી દેશભરના ટ્રાન્સપોર્ટર્સ તેનું બીડ મોકલે છે અને ઉદ્યોગપતિ તથા વેપારીને જે સસ્તી બીડ આપે તેને તે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપે છે.

આમ સ્થનીક ટ્રાન્સપોર્ટર્સ પણ જે માફિયાગીરી કરતાં હતા તેના પર પણ નિયંત્રણ આવ્યું છે. પ્રફુલ પટેલની રાજકીય ઈચ્છા શક્તિને કારણે માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભાજપના નેતાઓ જેઓ માનતા હતા કે કાયદો ખીસ્સામાં રાખીને ફરાય તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.