પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણી એક આદત ગણો કે પાગલપન આપણે સારી -નરસી બાબત શીખવા માટે વિદેશનું જ અનુકરણ કરીએ છીએ, આવું જ આપણે કોરાનાની મહામારીમાં પણ કરી રહ્યા છે. ગુજરાત અને કેન્દ્રના અધિકારીઓ પણ વિદેશના અનુભવો અને તેમના આંકડાઓને ધ્યાનમાં રાખી દેશમાં કોરોના સામેની લડાઈની વ્યૂહરચના ઘડી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે, આશ્ચર્ય તે બાબતનું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ઘેરાયેલા કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં કોરોનાનો એક પણ કેસ નથી અને આ પ્રદેશમાં કામ કરતા એક પણ પરપ્રાંતિય મજુરે પોતાના વતનની વાટ પકડી નથી.

કોરોનો ભોગ બનેલા દેશો દ્વારા કઈ રીતે કોરોના સામે લડ્યા તેનો આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ પડોશી સંઘ પ્રદેશ દ્વારા કેવી વ્યૂહરચના ઘડી તે તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી, ખરેખર સંઘ પ્રદેશ દ્વારા કોરાના સામે પોતાની વ્યૂહરચના આપનાવી તે સમજવા દીવના કલેકટર સલોની રાયનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાંત કરતા અમે દીવમાં પ્રવેશ આપતી તમામ ચેકપોસ્ટોને જડબેસલાક બંધ કરી દીધી હતી, દીવના બહારની કોઈ વ્યકિત દીવમાં દાખલ થાય નહીં તેની કડક સૂચના આપવામાં આવી હતી.

કલેકટર રાયે જણાવ્યું કે લોકડાઉન જાહેર થયા પછી દીવની બહાર ગયેલા રહેવાસીઓ અને ઈન્ટરનેશનલ ફલાઈટ દ્વારા પરત ફરેલા એનઆરઆઈ દીવ આવી રહ્યા હતા, પણ અમે બહારથી આવેલા તમામ દીવવાસીઓને ચેકપોસ્ટ ઉપર મેડીકલ ચેકીંગ કરી તેમને ઘરે જવા દેવાને બદલે ક્વોરિન્ટાઈન કરી દીધા હતા, હાલમાં કુલ 650 વ્યકિતઓ ક્વોરિન્ટાઈન છે, જેમાં 150 ગવર્મેન્ટ ક્વોરિન્ટાઈનમાં છે જ્યારે જેઓ હાઉસ ક્વોરિન્ટાઈન પણ છે તેમનું રોજ મેડીકલ ચેકીંગ થાય છે.

તેમણે ઉમેર્યું કે, આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે જેમને પાસ આપવામાં આવ્યા હતા તેવી વ્યકિતઓની મુવમેન્ટ પણ અમે પોલીસ દ્વારા નજર રાખી રહ્યા હતા, જેમની પાસે પાસ છે તે વ્યકિત સાંજે પાછો ફરે છે કે નહીં તેનું અમે ધ્યાન રાખ્યુ હતું. જેના કારણે હમણાં સુધી દીવમાં અમે કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છીએ, આવી જ સ્થિતિ અમદાવા-મુંબઈ હાઈવે ઉપર દમણ અને દાદરાનગર હવેલીની પણ દમણના કલેકટર ડૉ. રાકેશ મીનહાસે કહ્યું કે, અમારી ભૌગોલીક સ્થિતિમાં અને બે રાજ્યોની વચ્ચે છે, પણ કોરાના સામેની લડાઈમાં સૌથી પહેલા અમે ચેકપોસ્ટ બંધ કરી અંદર આવી રહેલી વ્યકિતઓને ઘરે જવા દેવાને બદલે તેમને ક્વોરિન્ટાઈન કરી દેવામાં આવ્યા, તેવી જ રીતે આ વિસ્તારના એનઆરઆઈ અને ખાસ કરી માછીમારો જેઓ દરિયામાં ગયા હતા. ડૉ રાકેશ મીનહાસ જણાવે છે કે, આવી તમામ 2300 વ્યકિતઓની અમે ક્વોરિન્ટાઈન કરી દીધી હતી.

જ્યારે સમગ્ર સંઘ પ્રદેશમાં રહેતા તમામ નાગરિકનું એગ્રેસીવ ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. દેશમાં દસ લાખ વ્યકિતઓ 240 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે અમે સંઘ પ્રદેશમાં 2000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડૉ રાકેશ કહે છે કે અમારી અલગ અલગ પ્રકારની પ્રાધ્યનતા હતી.  જેમાં સૌથી પહેલા લોકો પોતાના ઘરમાં રહે તે જરૂરી હતું. જેના કારણે અમે આંગણવાડીના સ્ટાફ દ્વારા  ઘર ઘર સુધી અનાજની કીટ પહોંચે તેવી વ્યવસ્થા શરૂ કરી આ ઉપરાંત સસ્તાના અનાજની દુકાનોમાં પણ એવી રીતે વ્યવસ્થા ગોઠવી કે એક દુકાન ઉપર 200થી વધારે વ્યકિતને અનાજ લેવામાં તેવી વ્યવસ્થા ગોઠવી છે.

આ ઉપરાંત ઘરે ઘરે જઈ મેડીકલ ટેસ્ટ કરવા ઉપર ચાલીઓને રોજ સેન્ટાઈઝ કરવામાં આવે છે, સંઘ પ્રદેશના દરેક ઘરમાં સરકાર દ્વારા સેનેટાઈઝર અને માસ્કનુ મફત વિતરણ કરવામાં આવ્યું ખાસ કરી સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો છે. તેવા ઘરોમાં એક એક કિલો સુખડીના પેકેટ પણ મોકલી આપવામાં આવ્યા હતા. ડૉ રાકેશ કહે છે કે, અમારા માટે બીજી મહત્વની બાબત હતી અમારા ઉદ્યોગો અને તેમ કરતા કરતા પરપ્રાંતના મજુરો, સંઘ પ્રદેશમાં 2000 કરતા કરતા વધુ ઉધ્યોગો અને અઢી લાખ મજુરો કામ કરે છે.

અમે ભારત સરકારના આદેશ પ્રમાણે આવશ્યક સેવા સાથે સંકળાયેલા 150 ઉદ્યોગોને કામ ચાલુ રાખવાની મંજુરી આપી જેમાંથી બે ઉધ્યોગૃહને સેનેટાઈઝરનું ઉત્પાદન કરવાની મંજુરી આપી,  આ બે યુનીટો રોજની બે લાખ બોટલો સેનેટાઈઝરનું ઉત્પાદન કરી સમગ્ર દેશમાં મોકલી રહ્યા છે,  બીજી બાબત પરપ્રાંતના મજુરો સાથે  વાત કરતા જણવા મળ્યુ કે તેમના મનમાં ડર છે કે લોકડાઉનને કારણે પગાર મળશે નહીં તો ખાશે કેવી રીતે એટલે અમે તમામ ઉદ્યોગોને તાકીદ કરી મજુરોનો સમયસર પગાર કરી નાખો જેના કારણે 2 એપ્રિલ સુધી તમામ મજુરોને પગાર મળી ગયો  અને તેઓ જે ચાલીઓમાં રહેતા તેમના માલિકોને ભાડુ નહીં લેવાનો આદેશ પણ આપી દીધો છે. જેના કારણે દમણ-દાદરાનગરમાંથી કોઈ મજુરોએ વતન જવાની વાત કરી નથી.

આમ દીવ-દમણ દાદરાનગર હવેલીના શાસનકર્તાઓની વ્યૂહરચના કારગર નિકળી અને સમગ્ સંઘ પ્રદેશને તેઓ કોરાનાથી મુકત રાખી શકયા.