મેરાન્યૂઝ નેટવર્ક.પ્રતાપગઢઃ યુપીના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ક્ષેત્રના ધારાસભ્ય અને જનતા દળના પ્રમુખ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને જિલ્લા તંત્રએ બંધક કરી લીધા છે. સમવારે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે જેને પગલે જિલ્લા તંત્રએ આ નિર્ણય કર્યો છે. આદેશ મળતાં જ તેમના ઘરની આસપાસ સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

યુપીના કુખ્યાત માફિયા તથા હાલના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ એટલે કે રાજા ભૈયા વિરુદ્ધ પ્રતાપગઢ જિલ્લાના તંત્રએ કાર્યવાહી કરી છે. રાજા ભૈયાને તેમના વિસ્તારની લોકસભા ચૂંટણી દરમિયાન નજરકેદ રાખવામાં આવશે. આ દરમિયાન તે ફક્ત મત આપવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે.

રાજા ભૈયાની છાપ એક બાહુબલી નેતાની છે. રાજા ભૈયાના નામે  ઉત્તરપ્રદેશમાં સૌથી નાની વયે ધારાસભ્ય અને મંત્રી બનવાનો રેકોર્ડ છે. રાજા ભૈયા સહિત આઠ લોકોને નજરકેદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજા ભૈયા સાથે બાબાગંજ ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ, સપા જિલ્લાધ્યક્ષ છવિનાથ યાદવ પર પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ નેતાઓ ફક્ત મતદાન કરવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે. રાજા ભૈયા સહિત કુંડાના આઠ લોકોને અશાંતિ ફેલાવવાની શંકાઓને આધારે આ નિર્ણય લેવાયો છે. કૌસંબી લોકસભા બેઠક પર 6મેના રોજ મતદાન યોજાશે. આ લોકસભા વિસ્તારમાં પ્રતાપગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકો બાબાગંજ અને કુંડા આવે છે. કુંડાથી રાજા ભૈયા ધારાસભ્ય છે અને અહીં તેમનો ખાસ પ્રભાવ છે. રાજા ભૈયાએ આ વખતે શૈલેન્દ્ર કુમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

કૌશંબી જિલ્લાના મતદાનને યોગ્ય રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા તંત્રએ આ કાર્યવાહી કરી છે. કૌશંબી લોકસભા વિસ્તારમાં પ્રતાપગઢના કુંડા અને બાબાગંજ વિધાનસભાનો કેટલોક વિસ્તાર આવી જાય છે.