મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: આમ તો ગુજરાત સરકાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ઉત્સવોના રવાડે ચઢી છે, જો કે આ તમામ ઉત્સવમાં નવરાત્રી જુદો જ ઉત્સવ છે, નવરાત્રી ગુજરાતનો પરંપરાગત ઉત્સવ છે અને તે માણવા ગુજરાત અને દેશ બહારથી અનેક લોકો આવે છે. પ્રતિ વર્ષ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કુૃતીક વિભાગ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેતા હોવાને કારણે કાર્યક્રમની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સાત દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમ  માટે સંબંધીત વિભાગ ટેન્ડર બહાર પાડી વિવિધ કંપનીઓને કામ સોંપે છે પરંતુ આ વર્ષે ટેન્ડર નહીં મેળવનારી કંપનીઓએ કલા જગતનું અપમાનના નામે હવે સરકારી અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપો સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા છે.

આપણે હવે એક નવી પરંપરા શરૂ થઈ છે જેમાં કોઈ વ્યકિતને તમે કાંઈ કહો તો તે જે જ્ઞાતિનો હોય તે જ્ઞાતિનું અપમાન માની લેવામાં આવે છે. કોઈ સ્ત્રી વિશે બોલો તો સમગ્ર સ્ત્રી જાતીનું અપમાન ગણવામાં આવે છે, આ કિસ્સામાં પણ જેમને ટેન્ડર મળ્યા નથી તેઓ સમગ્ર કલા જગતનું અપમાન થયું હોવાનું કહી રહ્યા છે, જો કે જીંદગી આખી સરકારી ટેન્ડર ઉપર જીવનારને હવે સરકાર ભ્રષ્ટાચારી હોવાનું લાગી રહ્યું છે. સોશ્યલ મીડીયામાં વહેતા થયેલા સમાચાર પ્રમાણે કોઈ એક વ્યકિતને ટેન્ડર મળ્યું નથી માટે સમગ્ર કલા જગતે બહાર આવવું જોઈએ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. જો કે ભુતકાળમાં જયારે ટેન્ડર મળતા હતા ત્યારે આ જ સરકારી વિભાગના અધિકારીઓ પવિત્ર થઈ જતા હતા, પણ હવે દુઃખે છે પેટ અને કુટે છે માથું તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

પોતાને કલા જગતના ઠેકેદાર માનતા લોકોએ ભુતકાળમાં આ પ્રકારના અનેક ઝંડાઓ ઉપાડયા અને મોરલ પોલીસીંગ કર્યું છે. કલા જગતમાં કોણ કલાકાર અને કોણ કલાકાર નથી તેનો કોરા સર્ટીફીકેટ પણ તેઓ આપે છે, કઈ ફિલ્મ સારી અને આ ફિલ્મને કઈ રીતે એવોર્ડ મળ્યો તેવા વિષય ઉપર પણ તેઓ સોશ્યલ મીડિયામાં ખચકાટ વગર બોલી શકે છે. ખાસ ફિલ્મ અને નાટકોમાં કામ કરતી મહિલા કલાકારો અંગે બોલવાનો અને તેમને ધમકાવવાનો તેમણે ઠેકો લીધો હોય તેવો માહોલ તેમણે ઉભો કર્યો છે. જે કલાકાર અથવા કંપની તેમની સાથે નથી તે તેમની સામે છે તેવું તે માની ચાલે છે. હવે આ પ્રકારની પ્રવૃત્તી કરનારના નિશાના ઉપર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ છે. જો કે ભુલ આ અધિકારીઓની પણ છે અગાઉ આવી જ કંપનીઓને ટેન્ડર આપી મોટી કરી હવે સાપ ડંખવા તૈયાર થઈ ગયો છે. જો કે સામે પક્ષે જે કંપનીઓને નવરાત્રી ટેન્ડર મળ્યા છે તે કંપનીમાં કામ કરતા ત્રણ સો કરતા વધુ કલાકારો પણ હવનમાં હાડકા નાખનાર સામે બાયો ચઢાવી તેમણે પણ સોશ્યલ મીડિયા ઉપર આવી કંપનીઓને જવાબ આપવાની શરૂઆત કરી છે. આમ હાલમાં સોશ્યલ મીડિયા ઉપર ટેન્ડર મેળનાર અને ટેન્ડર ગુમાવનાર કંપનીઓ જાહેરામાં બાખડી પોતાની રહી-રહી આબરૂ ગુમાવી રહે છે. આ માટે તો એવુ કહેવું પડે ગંદા હૈ, પર ધંધા હૈ યે.