મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જેટલો મોટો અધિકારી એટલો જ મોટો તેમનો અંહમ હોય છે, આવુ દરેક કિસ્સામાં લાગુ પડતુ નથી છતાં મહંદ અંશે તેવુ થતુ હોય છે. ખાસ પોલીસ અધિકારીઓની કિસ્સામાં એકબીજાની બદલી કરાવી તેના સ્થાને પોતાને પોસ્ટીંગ મળે તેવા પ્રયાસને કારણે તેઓ એકબીજાની સામે આવી જતા હોય છે. ગુજરાત પોલીસના સૌથી સિનિયર મોસ્ટ અધિકારી ડીજીપી શિવાનંદ ઝા અને અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી કોલ્ડવોર હવે સપાટી ઉપર આવી છે. જે તરફ હવે રાજ્યના ગૃહ વિભાગનું ધ્યાન પણ ગયું છે અને મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો છે.

2015ના અરસામાં શિવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યાર બાદ તેમની 2016માં બદલી કરી તેમને ઈન્ટેલીઝન્સ બ્યૂરોમાં મુકી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને એ કે સિંગ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા. સુત્રોની જાણકારી પ્રમાણે શિવાનંદ ઝાને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે હટાવી દેવાનો એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે અમદાવાદમાં બુટલેગર કમલેશ ભૈયાનું વર્ચસ્વ વધી ગયુ હતું. એક જમાનામાં જેમ લતીફ બેખૌફ થઈ દારૂનો ધંધો કરતો હતો તેવું જ કમલેશ ભૈયા કરી રહ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં કોલ સેન્ટરનો રાફડો ફાટયો હતો, આ કોલ સેન્ટરો વિદેશી નાગરિકોને નિશાન બનાવી કરોડો રૂપિયા પડાવી લેતા હતા.

આ આખો મામલો તો ખરેખર મુંબઈના થાળે પોલીસે પકડયો હતો પણ તેનો રેલો અમદાવાદ સુધી આવ્યો હતો, આ કોલ સેન્ટરોનો તાર અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં પોલીસ કમિશનરના સીધા તાબા હેઠળ આવતી પીસીબી બ્રાન્ચ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યુ હતું આ તમામ કોલ સેન્ટરો સાથે ગોઠવણ પીસીબીનો પોલીસવાળો સરદારસિંગ કરતો હોવાનું  કહેવાયતુ હતું, આ બંન્ને ઘટનાઓને ધ્યાનમાં લઈ સરકારે શિવાનંદ ઝાની બદલી કરી હતી તેવુ માનવામાં આવે છે, જો કે શિવાનંદ ઝાના નજીકના સુત્રોની જાણકારી પ્રમાણે શિવાનંદ ઝા એવું માની રહ્યા છે કે કમલેશ ભૈયા અને કોલ સેન્ટર સાથે તેમને સંબંધ છે તેવું ચિત્ર એ કે સિંગ દ્વારા સરકાર સમક્ષ ઉભુ કરવામાં આવ્યું હતું. જેના કારણે શિવાનંદ ઝાની અમદાવાદમાંથી બદલી કરવામાં આવી હતી, આમ ઘટનાને કારણે શિવાનંદ ઝા નારાજ થયા હતા.

જો કે શિવાનંદ ઝા ડીજીપી થયા પછી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી રહેલી દારૂ-જુગારની રેડ એ કે સિંગને બદનામ કરવામાં પડી રહી છે તેવુ એ કે સિંગના નજીકના અધિકારીઓ  માને છે. આમ તો તેમના વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોર એક તબ્બકે શાંત થઈ ગઈ હોવાનું અધિકારીઓનું કહેવુ છે. પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે એ કે સિંગ પોલીસ કમિશનર થયા પછી શિવાનંદ ઝાની નજીકના ગણતા પીસીબીના સ્ટાફમાં કોઈ ફેરફાર કર્યો ન્હોતો જેમાં સરદારસિંગ પણ પીસીબીમાં જ રહ્યા હતા, તાજેતરમાં પોલીસ કમિશનર એ કે સિંગને જાણકારી મળી કે મકરબા અને સોલા વિસ્તારમાં કોલ સેન્ટરો ચાલી રહ્યા છે, તેમણે આ જાણકારી પોતાની પીસીબી બ્રાન્ચને આપવાને બદલે ક્રાઈમ બ્રાન્ચને આપી હતી, અને પોલીસ કમિશનરનો આદેશ હોવાને કારણે સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચે સોલા મકરબામાં દરોડો પાડી કોલ સેન્ટર પકડયા ત્યાં અચાનક સરદારસિંગ પ્રગટ થઈ ગયા હતા અને તેમણે રેડનો રોકવાનો પ્રયાસ કર્યો હોવાની વાત બહાર આવી હતી.

આ બાબત પોલીસ કમિશનર એ કે સિંગના ધ્યાનમાં આવતા કોલ સેન્ટર ઉપર દરોડા વખતે સ્થળ ઉપર પહોંચી ગયેલી પીસીબીના પોલીસવાળા સરદારસિંગને સસ્પેન્ડ કરી આ મામલે જેસીપી મોથલીયાને તપાસ કરવાનો આદેશ આપ્યો છે, આમ સરદારસિંગ સસ્પેન્ડ થયા ફરી એક વખત શિવાનંદ ઝા અને એ કે સિંગ વચ્ચે મ્યાન થેયેલી તલવાર ખેંચાઈ છે.