મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના નવીન માર્કેટયાર્ડ ખાતે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર ઉપર મગફળીની ગુણવત્તાને લઈ માલ રીજેકટ કરાતાં બે ખેડૂતો ઉશ્કેરાઈ ગયા હતા.ખેડૂતોની મગફળીમાં ઢેફા,કચરો હોવાથી માપદંડ મુજબની ગુણવત્તા જોવા ન મળતાં માલ રીજેકટ કરાતા ખેડૂત ઉશ્કેરાયો હતો અને પિત્તો ગુમાવતા ખરીદ કેન્દ્રના કર્મીઓ વચ્ચે તુ-તુ મેં મેં કરાતાં અર્ધો કલાક માલ ખરીદી અટવાઈ હતી.અંતે અન્ય ખેડૂતોની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો હતો.અને ૨૭૦૦ બોરી મગફળી દિવસના અંત સુધીમાં ખરીદાઈ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. 

જિલ્લાના છ કેન્દ્રો ઉપર 18 મી નવેમ્બર થી રાજય પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૃ કરાઈ છે.ગત શનીવાર ના રોજ મોડાસા ખાતેના નવીન માર્કેટયાર્ડ ખાતે મગફળી વેચવા આવેલા ખેડૂતનો માલ ઠરાવેલ ગુણવત્તાના માપદંડો કરતા હલકો જણાતાં રીજેકટ કરાયો હતો.અને માલ રીજેકટ કરાતાં જ ખેડૂતો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ફરજ ઉપરના કર્મીઓ પૈસા પડાવતા હોવાના અને માર મારવા આવતા હોવાના આક્ષેપો કરાયા હતા.

\આ મુદ્દે પુરવઠા નિગમના સૂત્રોનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતના માલમાં દાંડી સહિતનું પ્રમાણ વધુ હોય માપદંડ બહારનો માલ ખરીદવો શકય ન હતો.જેથી માલ રીજેકટ કરાતાં આ ખેડૂતો ઉશ્કેરાઈ ઉઠયા હતા.જયારે સ્થળ ઉપર હોબાળો મચાવી રહેલા ખેડૂતો એ ફરજ પરના કર્મીઓ પૈસા માંગી રહયા હોવાનો તેમજ માર મારવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
અંતે સ્થળ ઉપર મગફળી વેચવા આવેલા અન્ય ખેડુતોએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડયો હતો.આ હોબાળાના પગલે અર્ધો કલાક ખરીદી બંધ રહેવા પામી હતી.દિવસભર ની ખરીદી દરમ્યાન 2700 બોરી મગફળી ટેકાના ભાવે ખરીદાઈ હોવાનું પુરવઠા નિગમ ના મેનેજરે જણાવ્યું હતું.