પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : આપણે ત્યાં આપણને બધુ જ માની  લેવાની ટેવ પડી ગઈ છે. મને એવુ લાગે છે કે, તેવુ કહી આપણે ખરી હકિકત જાણવાનો પ્રયત્ન કર્યા વગર આપણી માન્યતાઓને ( જે ખરેખર આપણી પણ નથી, આપણા ઘરમાં અથવા બીજા પાસેથી સાંભળવાને કારણે મળી છે) આધારે આપણે જીવવાની ટેવ પડી ગઈ છે જેના કારણે આપણે પોતાના મનમાં અનેક સમસ્યાઓ સાથે જીવીએ છીએ, આવુ આપણી સાથે કેમ બને છે તેનું સૌથી મોટુ કારણ બાળપણમાં આપણને આપણા માતા પિતાને પ્રશ્ન પુછવાની ટેવ હતી ક્રમશ તે ટેવ આપણે ભુલતા ગયા છીએ,આપણા મનમાં હવે પ્રશ્ન થતો નથી જેના કારણે તેનો આપણને ઉત્તર મળતો નથી અમે અમદાવાદના ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટમાં પત્રકારત્વ ભણાવીએ છીએ આમ એકસો વર્ષ પહેલા ગાંધીજીએ નવજીવનની શરૂઆત કરી જેના કારણે તેઓ પણ પત્રકારની જમાતમાં આવી ગયા હતા.

ગાંધી જે પ્રકારનું પત્રકારત્વ  કરતા હતા તે જ દિશામાં અમે અમારા વિધ્યાર્થીઓ જાય તેવો પ્રયત્ન કરીએ છીએ, અમે અમારા વિધ્યાર્થીઓને રોજ કહીએ છીએ કે તમારા મનમાં પ્રશ્નો ઉભા થવા દો અને તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્દભવે તે પુછો કારણ તમને પ્રશ્ન નહીં થાય અને પ્રશ્ન પુછશો નહીં તો તમને ઉત્તર મળશે નહીં, અમે એક ખાસ ધ્યાન રાખીએ છીએ કે વિધ્યાર્થીઓ કોઈ વિચારધારાને સાચી માને નહીં અથવા તે તરફ ઢળી પડે નહીં, ગાંધીજી મુકત મનના માણસ હતા તેઓ વિરોધી વિચારનો પણ આદર કરતા હતા, તે પરંપરા જળવાઈ રહે તેનું અમે ધ્યાન આપી છીએ, અમે જે વિચારાધારા સાથે સંમત્ત નથી તે વિચારો પણ વિધ્યાર્થીઓ માટે જાળવા જરૂરી છે, વિધ્યાર્થીઓનો પોતાનો પણ મત હોઈ શકે જે કદાચ અમારા કરતા ભીન્ન પણ હોય છે અને હોઈ શકે છે. છતાં અમે રોજ તે અંગે સામ-સામે બેસી ચર્ચા કરીએ છીએ

આપણે એકબીજાને જાળવાનો અને સાથે બેસી ચર્ચા કરવાનો પ્રયત્ન કરતા નથી જેના કારણે બે અલગ વિચારોના લોકો વિરૂધ્ધ દિશામાં મોંઢુ કરી બેસે છે અને પોતે જ સાચા તેવુ માને છે, જેના કારણે તેઓ કયારેય સાથે બેસી વાત કરી શકતા નથી, પણ નવજીવનમાં અભ્યાસ કરતો પત્રકારત્વનો વિધ્યાર્થી આવી સંકુચીત માનસીકતાથી પીડાય નહીં તેવો ્અમે સતત પ્રયત્ન કરીએ છીએ, અમે નવજીવનમાં પુસ્તકો ભણાવતા જ નથી, પણ આપણા મનમાં ઉદ્દભવતા પ્રશ્નનો ઉત્તર શોધવાનો  પ્રયત્ન કરીએ છીએ અમે વિધ્યાર્થીઓને 370ની કલમ, એનઆરસી જેવા ્અધરા લાગતા વિષયો સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી છીએ અમે વિધ્યાર્થીઓ કહી છીએ આપણો વ્યકિતગત જે મત છે તે જાળવી રાખવાનો આપણો અધિકાર છે, પણ આપણા વિરોધી મતને જાણવો પણ એટલો જ જરૂરી છે,

નવજીવનમાં પત્રકારત્વ ભણતા વિધ્યાર્થીઓમાં બહુમતી હિન્દુ વિધ્યાર્થીઓ છે, અમે જયારે પત્રકારત્વનો કોર્સ શરૂ કર્યો ત્યારે મને,મારા સાથી  ઉર્વીશ કોઠારી અને કિરણ કાપુરેની તીવ્ર ઈચ્છા હતી, આપણા વિધ્યાર્થીઓ અલગ અલગ વર્ગ ધર્મ અને જ્ઞાતિના હોય તો કારણે કલાસમાં તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે અને તેમના મનમાં પડેલી અન્ય ધર્મ માટેની ગ્રંથીઓ જાતે જ ભુસી નાખે, પણ સદ્દનસીબે તેવુ થયુ, અમારા કલાસમાં એક વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર અને ભાજપના નેતા પણ વિધ્યાર્થી છે, તેવી જ રીતે ત્રણ મુસ્લિમ વિધ્યાર્થીઓ પણ છે આમ અલગ અલગ માન્યતા અને શ્રધ્ધા ધરાવતા વિધ્યાર્થીઓ છે, મારા સાથી કિરણ કાપુરેને વિચાર આવ્યો કે આપણા સહિત મોટા ભાગના હિન્દુઓ મુસ્લિમો વિશે જે કઈ માને છે તેનો  ઉત્તર જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.

એટલે અમે નવજીવનના પત્રકારત્વના કલાસમાં ઈસ્લામનના જાણકાર આસીફ શેખને બોલાવ્યા હતા, આસીફે કલાસમાં આવતા વિધ્યાર્થીઓને કહ્યુ તમારા મનમાં મુસ્લિમ અંગે જે કઈ માન્યતા અને પ્રશ્ન છે તે મને પુછી શકો છો, આસીફે કહ્યુ આપણે માત્ર બટાકા લેવા જઈ છીએ તો બે લારી ઉપર ભાવ તાલ કરીએ છીએ પણ જયારે ધર્મની વાત આવે ત્યારે પ્રશ્ન પુછવાનું  અને ચર્ચા કરવાનું બંધ કરી દઈએ છીએ આસીફ એક સરળ હ્રદયનો ધર્મ ભીરૂ માણસ છે આસીફે કહ્યુ મુસ્લિમો કેમ આવા છે અથવા આવુ કેમ કરે છે તે જાણવા ઈસ્લામને સમજવો પડશે આસીફે બહુ સરળ રીતે ઈસ્લામ સમજાવ્યો અને ત્યાર બાદ મુસ્લિમો પ્રસાદ કેમ ખાતા નથી, વંદેમાતરમ કેમ બોલતા નથી વગેરે પ્રશ્નનો ઉત્તર પણ આપ્યા હતા, મને લાગે છે કે આવી ચર્ચાઓ જો સ્કુલથી શરૂ થાય તો યુવાનીમાં પગ મુકતા સુધી યુવાનોના મન સાફ અને પાક હશે તેના માટે આપણે સામુહિક પ્રયાસ કરવો પડશે અમે આવા પ્રયોગો નીરંતર કરીશુ તમે પણ કરજો.