મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં હાર્દસમા ચારરસ્તા અને નવજીવન ચોક નજીક આવેલ જાહેર શૌચાલય પર મોડાસા નગર પાલિકા દ્વારા “મારુ મોડાસા સ્વચ્છ મોડાસા” અને ગાંધીજીની આકૃતિ સાથે મોડાસા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે નું ચિત્રામણ તો કરી દીધું છે, પરંતુ આ શૌચાલયની બહાર ઉભરાતી શૌચાલયના ગંદા પાણી અને ગંદકી નગરપાલિકા તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે.

પાંચમી જૂને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સૂત્રો જોરશોરથી ગૂંજવા માંડે છે .સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ માટે તોતિંગ ખર્ચ કરીને કે પ્રસંગોપાત હાથમાં ઝાડુ લઈને મહાનુભાવો ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ પણ ફોટો શેસન સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા અભિયાનના નામે ચાલતા નાટકમાં નગરપાલિકાને સહયોગ આપતી હોય છે. શહેરના અગ્રણીઓ અને સેવાકીય સંસ્થાઓ પણ શહેરમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસા શહેરના હાર્દસમા નવજીવન ચોક નજીક સામે  સાર્વજનિક શૌચાલય સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતા માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુબાજુના દુકાનદારો રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.

સ્વચ્છતા અભિયાન માટે જોર શોરથી પ્રચાર કરતી નગરપાલિકા શું આવા દૃશ્યોથી અજાણ છે? નગરપાલિકાના સભ્યો તથા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા તથા અખબારોમાં કરવામાં આવતા પ્રચારનો પરપોટો શહેરના હાર્દસમા નવજીવન ચોકની સામે અને શહેરના મુખ્યમાર્ગ પર આવેલ શૌચાલય ફોડી નાખ્યો છે. શૌચાલયનું પાણી બહાર રેલાતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ ગંદકીમાંથી પસાર થવા મજબુર બનવું પડે છે.

મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગ ફક્ત ને ફક્ત ગંદકી દૂર કરવા અને શહેરને સ્વચ્છ રાખવાની ગુલબાંગો હાંકી રહ્યું છે મોડાસા  શહેરમાં ગંદકીના ઢગલા અને ગટરમાંથી ઉભરાતી ગંદકી અંગે બેદરકાર જણાઈ રહ્યું છે શહેરના હાર્દસમા સુલભ શૌચાલય ની આવી બદતર હાલત હોય તો શહેરના વિસ્તારોમાં તો વિચારવું જ રહ્યું ...!!