મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: અરવલ્લી જીલ્લામાં ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા એસટી ડેપોને આઈકોનિક બસ સ્ટેન્ડની જીલ્લાના પ્રજાજનોને ગિફ્ટ આપી હતી. મોડાસા એસટી ડેપોને હંગામી ધોરણે  સહકારી જીનના મેદાનમાં ખસેડવામાં આવ્યું હતું. હંગામી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અનેક બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે છેલ્લા સપ્તાહ થીબસ સ્ટેન્ડમાં આવેલા શૌચાલયની ગટરના પાણી ઉભરાતા અને ખાબોચિયા ભરાતા અસહ્ય દુર્ગંધથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એસટી ડેપોના અધિકારી આંખ આડે કાન કરતા મુસાફરોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે.

સ્વચ્છતા અભિયાનના મોટા મોટા તાયફાઓ વચ્ચે મોડાસા બસ સ્ટેશનમાં ગંદકીના ઢગથી મુસાફરોને હાલાકીઓ ભોગવવી પડી રહી છે. ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભર ઉનાળે ભરાયેલા રહેતા મચ્છરજન્ય રોગચાળો અને પીવાના પાણીની પરબ નજીક પણ ગંદકીથી પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો અને મુસાફરો રોગ નો ભોગ બને તો નવાઈ નહિ.  

 મોડાસાના મેઘરજ રોડ પર આવેલા હંગામી બસ સ્ટેન્ડમાં જાહેર શૌચાલય અને બસ પાર્કિંગ નજીક ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી ફરી વળતા ઠેર ઠેર ગંદકીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે. “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાના પગલાના” સુવાક્યો નીચે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મોડાસા બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો રોજિંદા આવે છે. જો કે છેલ્લા ૭ જેટલા  દિવસથી ગટરનું પાણી ઉભરાતા દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બસ સ્ટેશનમાં મુસાફરોના જણાવ્યા અનુસાર, છાશવારે આ પ્રકારની સમયસ્યાઓ બનતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવતું અને માત્ર ને માત્ર ગંદકીના ઠગલામાંથી જ પસાર થવા મજબૂર બન્યા છે.