મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ હિન્દી ફિલ્મ જગતના નામાંકિત ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી આજે બપોરે રૂા.90,00,000ની ચેક રિટર્ન અંગેની ફરિયાદમાં જામનગરની અદાલતમાં હાજર થયાં હતા.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના જાણીતા બિઝનેસમેન અશોકભાઇ લાલ સાથે સંબંધ કેળવાયા બાદ રાજકુમાર સંતોષીએ સંબંધદાવે નવ કટકે કુલ રૂા.90 લાખ ઉછીના લીધા હતાં. આ પૈકી અપાયેલ ચેક પરત ફરતા કાનૂની નોટિસ આપવા છતાં રકમની ચૂકવણી ન થતાં અશોકભાઇ લાલ દ્વારા જામનગરની દીવાની અદાલતમાં ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદના અનુસંધાને ફિલ્મ ડાયરેક્ટર આરોપી રાજકુમાર પ્યરેલાલ સંતોષી (રાજેશકુમાર) બુધવારે બપોરે જામનગરની અદાલતના મેજીસ્ટ્રેટ ઝેડ.એન.મુનશીની અદાલતમાં હાજર થયાં હતાં. આરોપી રાજકુમાર સંતોષી મુંબઇમાં જૂહુ વિસ્તારમાં રહે છે. રાજકુમાર સંતોષીએ દામીની, અંદાઝ અપના અપના, ઘાયલ જેવી અનેક નામાંકિત ફિલ્મો આપી છે. જામનગરની અદાલતમાં ફિલ્મ ડાયરેક્ટર રજૂ થયા હોવાના સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાતા ચકચાર જાગી છે તથા પ્રેસ-મીડિયાના કર્મચારીઓ અદાલતના પરિસરમાં ઉમટી પડ્યાં હતા.