મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી તહેવાર ટાણે તસ્કરો સક્રિય બન્યા છે. આ વખતે તસ્કરોઍ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ વરાછા પોલીસ સ્ટેશનનની બિલકુલ સામે આવેલા રિલાયન્સ ડિઝીટલ મોલને નિશાન બનાવ્યો હતો. વહેલી સવારે ઈનોવા કારમાં આવેલા ત્રણ જણા શો રૂમનું શટરનું તાળું તોડી વચ્ચેથી ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને ૨૦૫ મોબાઈલ, ૨૩ ટેબ્લેટ અને બ્લૂટુથ મળી કુલ રૂ. ૪૩.૬૪ લાખની મતાની ચોરી કરી નાસી  ગયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા મેઈન રોડ વરાછા પોલીસ સ્ટેશનની બરોબર સામે રિલાયન્સ ડિઝીટલ મોલ આવ્યો છે. ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓનું વેચાણ કરતા આ શો રૂમમાં રવિવારે વહેલી સવારે  સાડા ચારેક વાગ્યાના આરસામાં કારમાં આવેલા ત્રણ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો શો રૂમના શટરનું તાળું તોડી શટર વચ્ચેથી અડધુ ઉંચું કરી અંદર ઘૂસ્યા હતા અને ૨૦૫ મોબાઈલ, ૨૩ ટેબ્લેટ અને બ્લૂટુથ મળી કુલ રૂ. ૪૩.૬૪ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

સવારે શો રૂમમાં ચોરી થઈ હોવાની જાણ થતા આ જાણ પોલીસને કરવામાં આવી હતી. પરિણામે વરાછા પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી શો રૂમમાં સીસીફુટેજ અને આજુબાજુના વિસ્તારના સીસીફુટેજ મેળવી ચોરોને ઝડપી પાડવા માટે સર્વલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ દિશામાં દોડાવ્યા હતા.

અત્રે એ નોંધવું જરૂરી છે કે વરાછા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટર ઉપરાંત ઍસીપી અને ડીસીપીની પણ ઓફિસ આવેલી છે. અને પોલીસ સ્ટેશનની બરોબર સામે આવેલા શો રૂમમાં ચોરી થતા તસ્કરકોએ પોલીસને પડકાર ફેંક્યો હોવાનું ચિત્ર ખડું થયું છે. બનાવ અંગે પોલીસે શો રૂમના મેને્જર અશોક પ્રતાપસિંગની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  તસ્કરોઍ રિલાયન્સ શો રૂમ પહેલા સવ્વા ચારેક વાગ્યાના આરસામાં કાપોદ્રામાં સીઍનજી પેટ્રોલ પંપની પાછળ ચીકુવાડી સોસાયટીમાં આવેલા યુરોના નામના ઠંડા પીણા તેમજ જયુશની દુકાનને નિશાન બનાવી હતી. ત્યાં ચોરી કરવામાં તસ્કરોને નિષ્ફળતા સાંપડી હતી. આ વાતનો એક અર્થ એ પણ છે કે કાપોદ્રા અને વરાછા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં કોઈ ખામી હોવી જોઇએ. નહીંતર બે બે જગ્યાએ તસ્કરો ત્રાટકે અને પોલીસને જાણ ન થાય તે અઘરું છે.