મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે ઘેટાના મોત હાલમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને તે માટે પશુ તેમજ માણસો પણ આ ગરમીમાં રહી નથી શકતા ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં રહેતા માલધારી પરિવારમાં 98 જેટલા ઘેટાના મોત થતા આ માલધારી પરિવાર ઉપર આફત આવી પડી છે.  માલધારી પરિવાર પાસે 125 ઘેટા છે. જે ગુજરવદી ગામમાં રહે છે અને આ ઘેટાને ચરાવવા માટે સીમમાં લઈ જાય છે પણ છેલ્લા બે દિવસથી ગરમી વધુ પડતી હતી, જેનાથી આ ઘેટાના મોત થયા છે. તેવું માલધારી પરિવારના લોકો કહે છે.

જ્યારે ગામના સરપંચ દ્વારા પશુપાલનના ડોક્ટરને આ બાબતની જાણ કરવામાં આવતા પશુપાલન ડોક્ટર અને તેની ટીમ ઘટના સ્થળે આવતા તેમને મૃત પશુ બાબતની તપાસ કરતા મૃત પશુઓને વઢવાણ તાલુકાના નગરા ગામ પાસે દાટી દેવામાં આવ્યા હતા. તે જગ્યાએ જઈને મૃત ઘેટા ની તપાસ કરતા આ ઘેટાના મૃત્યુ એરંડા ખાવાથી થયા છે. તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે માલધારી કહે છે કે અમે દરરોજ આ ઘેટાને ચરાવવા લઈ જતા હતા અને તે દરરોજ આ એરંડા ખાતા હતા પણ બે દિવસથી ગરમી વધુ હોવાથી આ ઘેટા ના મોત થયા છે. તેવું તેમનું કહેવું છે. હાલ તો આ માલધારી પરિવારનું મોટું નુકસાન થયુ છે. જો સરકાર દ્વારા કોઈ મદદ મળે તો તેમને આર્થિક ટેકો થાય અને તે માટે તેઓ માગણી કરી રહ્યા છે.

અરવલ્લીમાં પણ બન્યો હતો આવો બનાવ

થોડા જ દિવસ અગાઉની વાત છે અરવલ્લી જીલ્લામાં કચ્છ અને બનાસકાંઠા અને રાજસ્થાનના બાડમેરથી માલધારીઓ તેમના પશુધન સાથે કુટુંબ કબીલા સાથે પશુઓને પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે તે માટે સૂકો વિસ્તાર છોડી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં પડાવ નાખી પશુઓએ ઘાસચારા અને પાણીના સ્ત્રોત મળી રહેતા જીવનનિર્વાહ ચલાવતા હોય છે. કેટલાક માલધારીઓએ તો અરવલ્લી જીલ્લાને કાયમી રહેઠાણ સ્થળ બનાવી દીધું છે અણીયોર નજીક રહેતા ભરવાડ નાગજીભાઈ સીધાભાઈ તેમના ઘેટાં-બકરા સાથે કમાલિયા કંપા નજીક જમણા કાંઠાની વાત્રકની કેનાલ નજીક ઘાસચારો ચરાવા લઇ જતા ઘાસચારો ચરતાં ચરતાં ૨૦ થી ૨૫ ઘેટાં-બકરાને ઝેરી અસર થતા એકાએક તરફડિયા મારી મોત ને ભેટતા ભારે ચકચાર મચી હતી. માલધારી પરિવારના એક ઝાટકે ૨૫ જેટલા ઘેટાં-બકરા મૃત્યુ પામતા માલધારી પરિવારે સ્વજન ગુમાવ્યો હોય તેમ આક્રંદ કરી મૂક્યું હતું.