મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યા બાદ ભાજપનાં ઉમેદવારે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. ઝાંઝમેર સીટનાં ભાજપનાં ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. અને આ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરીફ થયા હતા. પરંતુ બાદમાં અચાનક ડો. ચિરાગે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ખસેડાયા છે. 

આ અંગે તેમના સંબંધી ડાયાભાઈએ જણાવ્યું હતું કે, પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદથી ચિરાગ ચિંતામાં હતો. જો કે તેણે કોઈને આ અંગે જાણ પણ કરી નહોતી. અને આજે અચાનક મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા તેમને શિવ હોસ્પિટલ ખાતે ખસેડયો છે. જો કે હાલ તો પોલીસ તેમના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે. તેમના આ પગલાંનું સાચું કારણ તો તેમની પૂછપરછ બાદ જ જાણી શકાશે.