મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર વિવાદમાં સપડાયા છે અને શહેરના વોર્ડ નંબર 9ના લોકો દ્વારા વસોયાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં રસ્તાના કામોમાં ભેદભાવ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લલિત વસોયા કોંગ્રેસ શાસિત નગરપાલિકા સામે લાચાર હોવાનો ઉલ્લેખ આ પોસ્ટરોમાં કરવામાં આવ્યો છે. તેમજ પાલિકા દ્વારા વિવિધ વોર્ડના રસ્તાના કામોમાં ભેદભાવ થવા છતાં ધારાસભ્ય ચૂપ કેમ? ના સવાલો પણ લોકોએ ઉઠાવ્યા છે.

શું લખ્યું છે પોસ્ટરમાં

ધોરાજી પાલિકા સત્તાધીશો સામે ધારાસભ્ય લાચાર

વોર્ડ નંબર 2-3માં 164 રસ્તાના કામો

વોર્ડ નંબર 8 ધારાસભ્યનો વોર્ડ છતાં માત્ર 7 રસ્તાઓ

વોર્ડ નંબર 9માં માત્ર 6 રસ્તાઓ

રસ્તાઓના કામમાં ભેદભાવ સામે ધારાસભ્ય ચૂપ કેમ ?

આ અંગે સ્થાનિકોના કહેવા મુજબ પાલિકાના સત્તાધીશો સામે ધારાસભ્ય લાચાર હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 2-3માં 164 રસ્તાના કામો થયા છે. જ્યારે ધારાસભ્યના વોર્ડ નંબર 8માં માત્ર 7 અને વોર્ડ નંબર 9માં માત્ર 6 રસ્તાઓના કામ થયા છે. પોતાના વોર્ડમાં પાલિકા સત્તાધીશો દ્વારા થયેલા આ ભેદભાવ છતાં દબંગાઈ માટે જાણીતા ધારાસભ્ય લલિત વસોયા ચૂપ હોવાનો આક્ષેપ પણ સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે.